સુરત : બારડોલીના એક ગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ અંગતપળોના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ પ્રેમી અને તેના ત્રણ મિત્રો ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી પીડિતા પર એક વર્ષથી બળાત્કાર ગુજારતા હતા. આખરે પીડિતાએ આ અંગે ફરિયાદ કરતા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.
સગીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો...
આ કેસ અંગ મળતી વિગત અનુસાર બારડોલી નજીકના એક ગ્રામીણ વિસ્તારની હદમાં રહેતી 17 વર્ષીય સગીરાને આશરે એક વર્ષ પહેલા બારડોલીના જલારામ હુડકો સોસાયટીના રહેવાસી આરોપી રોનિત સંતોષ પાંડે સાથે મિત્રતા બંધાઈ હતી. જે આગળ વધતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. તેઓ અવારનવાર મળતા અને બંને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયા હતા.
પૂર્વ પ્રેમી કરતો રહ્યો શોષણ : થોડા સમય બાદ કોઈ કારણોસર સગીરાએ સંબંધ તોડી નાખ્યો હતો. છતાં પૂર્વ પ્રેમી પીછો કરી સગીરાને અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. સગીરા પણ ફોટા ડિલીટ કરવાની શરતે મળતી રહી હતી.
આરોપીના લંપટ મિત્રો કર્યું દુષ્કર્મ : આ દરમિયાન નરાધમ પ્રેમીએ ફોટા તેના મિત્રોને બતાવતા લંપટ મિત્રોએ પણ વારાફરથી સગીરાનો સંપર્ક કરી અને તેની સાથે ફોન પર વાતો કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેના બદલામાં તેનું શારીરિક શોષણ કરતા આવ્યા હતા.

ચારેય નરાધમને પોલીસે દબોચ્યા : આખરે સગીરાએ રડમસ ચહેરે તેના પરિવારને આ વાત જણાવતા ચારેય નરાધમોને પાઠ ભણાવવા બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ હતી. પોલીસે હકીકત આધારે આરોપી રોનીત સંતોષ પાંડે તેમજ તેના મિત્રો સની સંજયસિંહ રાજપૂત (રહે. શિવ શક્તિ સોસાયટી, બારડોલી), દિપાંશુ ઉદયસિંહ તોમર, (રહે. કૃષ્ણા નગર, બારડોલી) તથા કૃણાલ હર્ષદ પારેખને (રહે.રાજનીગંધા રો હાઉસ, બારડોલી) દબોચી લીધા હતા.