બનાસકાંઠા: અનેકતામાં એકતા એ જ અમારી શાન છે એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે. કંઈક આવા જ કોમી એકતાના દર્શન બનાસકાંઠાના વાછોલ ગામના મુસ્લિમ અને હિન્દુ સમાજના ભાઈઓએ કરાવ્યા છે અને નફરત ફેલાવનારા લોકોને ધર્મ નાત જાતના વાડા તોડી પ્રેમનો સંદેશો આપ્યો હતો. ધાનેરાના તાલુકાના વાછોલ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ ભેગામળી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ કોમી એકતાના દર્શન કરાવ્યાં હતા. મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી ધાર્મિક તહેવાર પર ઉમળકા ભેર મહંતનું સન્માન કરી ગામ લોકો વચ્ચેના ભાઈચારાને જાળવી રાખ્યો છે.
મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ બિરાદરોએ લીધો ભાગ
ધાનેરાના વાછોલ ગામે આજે વીર હનુમાન મંદિરે ગામ લોકો અને ધર્મપ્રેમી જનતાના સહયોગથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં વાજતે ગાજતે ગામલોકોએ પ્રાણ પ્રતિષ્ઠા માટે કાઢેલી શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લઈ જાણે પોતાનો જ પ્રસંગ હોય તેમ હિન્દુ ભાઈઓ સાથે મળી ધાર્મિક કાર્યક્રમ ઉજવ્યો હતો.
શોભાયાત્રામાં લોકો માટે કરી પાણીની વ્યવસ્થા
મુસ્લિમ બિરાદરોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બોલાવવામાં આવેલા સાધુ-સંત અને ધર્મગુરુનું ફુલ-હાર કરી વિશેષ સન્માન કર્યું હતું. સાથે જ પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા હિન્દુ ભાઈઓનું પણ સન્માન કર્યું હતું. ગામના મુસ્લિમ ભાઈઓએ મંદિરના કાર્યક્રમમાં સ્વાગત કરતા ગામમાં કોમી એકતાના દર્શન થયા હતા. મુસ્લિમ સમાજના લોકોએ તમામ લોકો માટે મિનરલ પાણીની પણ વ્યવસ્થા કરી તમામને પાણી પીવડાવી ઉમળકા ભેર આવકારો આપતા મહંત દ્વારા પણ તેમના પર ફુલવર્ષા કરી ગામમાં આવો જ ભાઈચારો બની રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.
વડીલોની પરંપરા જાળવી રાખી
આ અંગે ગામના સિરાજભાઈ સિંધીએ જણાવ્યું હતું કે, અમારા વડીલો દ્વારા પહેલા શંકર ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પણ આ જ રીતે ભાઈચારાના દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારે આ પરંપરાને હવે હાલના યુવાનોએ પણ જાળવી રાખી છે અને આજે ગામના વીર હનુમાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ સાથે મળી કોમી એકતા સાથે ધાર્મિક તહેવારોમાં ગામના મુસ્લિમ ભાઈઓએ સાથ આપ્યો હતો. આથી અમારા ગામમાં આ ભાઈચારો વર્ષોથી અકબંધ રહ્યો છે અને આજ રીતે ગામનો ભાઈચારો જળવાઈ રહે તે માટે અમે હિન્દુ-મુસ્લિમ ભાઈઓ હંમેશા ભેગા મળીને જ તમામ તહેવારોની ઉજવણી કરીએ છીએ.
આ પણ વાંચો: