બનાસકાંઠા: જિલ્લામાં ફરી એકવાર દુઃખદ ઘટના બની છે. કાંકરેજના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ખેતરમાં કામ કરતાં સમયે કરંટ લાગ્યો હોવાની હાલ માહિતી છે.
ખેતરમાં ઘાસચારો લેવા ગયા અને કરંટ લાગ્યો
તાજેતરમાં જ વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. જે બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં વીજ કરંટ લાગતા માતા-પુત્રી તેમજ પાડોશમાં રહેતી એક દીકરીનું કરંટ લાગતા મોત થયું છે. ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી માતા તેમજ નજીકમાં જ રમતી પુત્રી સહિત પડોશીની એક દીકરીનુ કરંટ લાગતા મોત થયું છે.
ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા
કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે બનેલી આ ઘટના બાદ તાત્કાલિક જે પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. હાલ ત્રણેયના મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે રાખવામાં આવ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ખેતરમાં ફુવારાની મદદથી પિયત ચાલતું હતું તે સમયે આ ઘટના બની છે.
આ સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. તેમજ આ ઘટના બનવા પાસના કારણો જાણવાના પણ પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે. એક જ પરિવારની માતા પુત્ર અને પાડોશીની દીકરી વીજ કરંટથી મોતને ભેટતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
પોલીસે શું કહ્યું?
આ અંગે શિહોરી પોલીસ મથકના પીઆઈએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું કે, ઘર માલિક દ્વારા વીજ કનેક્શન ન હોવાથી થાંભલા ઉપરથી તારની મદદથી લાઈટ લેવામાં આવી હતી. તે તારમાં ક્યાંક ફોલ્ટ હોવાના કારણે ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટના મામલે હાલ તપાસ ચાલી રહી છે. જીઈબીની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું છે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: