સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા રતનપુર ગામના એક રહીશને 36 કરોડના બાકી ટેકસ મામલે ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000 ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં 12,000 ની નોકરી કરતા પરિવાર ઉપર 36 કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી ઘટના સર્જાઇ છે. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ સ્ટેશન સહિત ઈન્કમટેક્સ વિભાદ, જીએસટી કચેરી સુધી રજૂઆત કરી છે. જોકે કોઈપણ જગ્યાએથી હજુ સુધી કોઈપણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર ભારે તણાવમાં આવી ગયો છે.
12 હજાર કમાતા યુવકને 36 કરોડના ટેક્સની નોટિસ
સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેશભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે રહે છે. તેમને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 36 કરોડના ટેક્સની નોટિસ આવતા સમગ્ર પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. જીતેશભાઈ પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12 હજારની નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે. તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે. ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી.
યુવકના બેંક ખાતામાં માત્ર રૂ.12નું બેલેન્સ
સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે. તેમજ જે તે વ્યક્તિ સામે કાયદાકીય પગલા પણ ભરાતા હોય છે. જોકે જીતેશભાઈનું હાલમાં બેલેન્સ માત્ર 12 રૂપિયા છે. તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્યા નથી. તેવા સમય સંજોગે એક સાથે 36 કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકંપ મચ્યો છે. તેમજ પરિવાર માટે આ નોટિસ વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.

36 કરોડની નોટિસથી પરિવાર માથે આભ તૂટ્યું
સામાન્ય રીતે ગરીબી જીવન હેઠળ પોતાનું ગુજરાન કરતો પરિવાર છૂટક મજૂરી કામકાજ કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ત્યારે પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતા પોતાનાં એક દિકરા અને દીકરીની સાથે જીવન ગુજારી રહ્યાં છે. ત્યારે જીતેશ નામના પુત્રને પત્ની તેમજ બે સંતાન છે. બે સંતાનનો પિતા માત્ર 12 હજારની માતબર રકમમાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરી અને પત્ની મકાન કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે હિતેશ મકવાણાના ડોક્યુમેન્ટ ખોટી ઉપયોગમાં લઈ કરોડો રૂપિયાનો વ્યવહાર થયાનું યુવાન માની રહ્યો છે. જોકે ચાર દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ માતા, બહેન, પત્ની સહિત યુવાનનો આંખોમાં આંસુ વરસી રહ્યાં છે. તેમજ યોગ્ય ન્યાય માટે પરિવાર સરકારી તંત્ર સહિત સરકાર પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે.

કચેરીઓના ધક્કા ખાધા પણ ન મળ્યો ઉકેલ
આ અંગે જીતેશ મકવાણાએ ETV Bharatને જણાવ્યું કે, મને IT વિભાગની 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. હું 36 હજારના મકાનમાં રહું છું અને 36 કરોડ હું કેવી રીતે ભરી શકીશ. હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો તો મને એમ કહ્યું કે તમારે ઈન્કમટેક્સમાં જવું પડશે. હું ઈન્કમટેક્સમાં ગયો ત્યાં મને ડોક્યુમેન્ટ ચેક કરીને પૈસા ભરવા પડશે એમ કહેવાયું. પછી કહ્યું કે તમારે GST નંબર છે તો તમારે GSTમાં ચેક કરવું પડશે. હું GST ઓફિસમાં પણ ગયો. એમણે કહ્યું કે, તમારે GST નંબર છે એટલે પૈસા ભરવા પડશે. મેં કહ્યું મારી એટલી આવક જ નથી હું કેવી રીતે પૈસા ભરીશ. આ બાદ તેમણે કહ્યું કે તમારે સાયબર ક્રાઈમમાં કેસ દાખલ કરવો પડે. હું સાયબર ક્રાઈમમાં ગયો તો તેમણે કહ્યું અમારે કઈ લેડવ-દેવડ ન હોય તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે.
જોકે એક તરફ ઇન્દિરા ગાંધી આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના માથે કરોડોની નોટીસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્થાનિકો માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે. જોકે શરત ચૂકથી કે ઇરાદા પૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો: