બનાસકાંઠા: જિલ્લામાં ચૂંટણી પહેલા ત્રણ ગામના લોકોએ બિનહરીફ સરપંચ, ડેપ્યુટી સરપંચની વરણી કરી પંચાયતની ચૂંટણી સમરસ કરી દીધી છે. હજુ તો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવાની તૈયારીઓ હાથ ધરી છે તે પહેલા જ બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ લોકોએ જાતે જ વરણી કરી સરપંચ જાહેર કરી દીધા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના સોનેથ ગામે, ગામ લોકોએ અનોખી રીતે ગ્રામ પંચાયતના સરપંચ નક્કી કર્યા છે. ગામ લોકોએ ચિઠ્ઠી ઉપાડીને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ નક્કી કર્યા છે.
સોનેથ ગામે બાળકીના હાથે ચિઠ્ઠી ઉપડાવી ગામના રણછોડ ચૌધરીને સરપંચ તરીકે બિનહરીફ ગામ લોકોએ વરણી કર્યા છે, તેમજ ડેપ્યુટી સરપંચ પણ ગામ લોકોએ જાતે જ નક્કી કરી દીધા છે. આમ, સોનેથ ગામે અનોખી રીતે ગ્રામ પંચાયતના સરપંચ નક્કી કરવાની આ રીતનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બીજી તરફ પાલનપુર તાલુકાના પેડાગડા ગામે ગામ લોકોએ ફાર્મ હાઉસ ખાતે બેઠક કરી સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોની બિનહરીફ વરણી કરી છે અને પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પેડાગડા ગામ પણ સમરસ બન્યું છે. સુરેશભાઈ ગઢવીને સરપંચ અને કેતનભાઈ જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બનાવી છે.
દાંતીવાડા તાલુકાના આકોલી ગામે પણ ગામ લોકોએ ગોમતીબેન માળીને સરપંચ તરીકે બિનહરીફ ચૂંટી લાવ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો હાલમાં સમરસ બની છે, એટલે કે સરપંચ ડેપ્યુટી સરપંચને જાતે જ લોકોએ બિનહરીફ ચૂંટણી પહેલા જ વરણી કરી દીધા છે.
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી વિભાગ જિલ્લામાં 616 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવા જઈ રહ્યું છે. તે પહેલા જ બનાસકાંઠા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોમાં સરપંચ, ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરી દેવામાં આવી છે.
આમ, ત્રણ ગામોમાં ગ્રામ પંચાયત સમરસ બની છે જોકે સુઈગામના સોનેથ ગામે અનોખી રીતે ગામ સરપંચને નક્કી કરવામાં આવતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો: