બનાસકાંઠા : આમ તો ગુરુ પાસે બાળક શિક્ષણ મેળવવા જતો હોય છે, પરંતુ શિક્ષાની જગ્યાએ જ્યારે ગુરુ સજા આપવા લાગે તો બાળકો શાળાએ જતા ડર અનુભવે છે. કંઈક આવો જ બનાવ બનાસકાંઠાના ગઢ ગામેથી સામે આવ્યો છે, જેમાં ગૃહકાર્ય ન લાવતા ત્રીજા ધોરણમાં ભણતા કિશોરને શિક્ષકે લાકડાના પાટિયાથી ફટકાર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
બાળકને માર માર્યાનો બનાવ : ગઢ પોલીસ મથકે વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર ગઢ કેળવણી મંડળ સંચાલિત જી. આર. ગામી પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. વાલીએ ફરિયાદમાં નોંધાવ્યું કે બાળકને નવડાવતા સમયે બાળકના પગ પર જામા દેખતા બાળકને તે અંગે પૂછતાં બાળકે ગણિતના શિક્ષક પાર્થ પરમારે ગૃહકાર્ય ન લઈ જતા લાકડાના પાટિયાથી માર્યો હોવાનું જણાવ્યું હતું.
શિક્ષક વિરુદ્ધ ગંભીર આરોપ : બેરહેમીથી માર મારવા બદલ વિદ્યાર્થીના પિતાએ ગઢ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ વિદ્યાર્થીના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ શાળામાં મારા બાળક સાથે એક ઘટના ઘટી ચૂકી છે, જે બાબતે મેં શાળામાં રજૂઆત કરી હતી. વાલીએ કહ્યું કે આવા શિક્ષકો સામે અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
CCTV ફૂટેજમાં શું હતું ? આ અંગે શાળાના આચાર્યે કહ્યું કે, હાલમાં બનેલી ઘટના અંગે જો શિક્ષક કસૂરવાર ઠરશે તો મંડળને જાણ કરાઈ છે અને મંડળને સાથે રાખી શિક્ષક સામે યોગ્ય પગલાં લેશું. CCTV ફૂટેજ જોતા બાળકને શિક્ષક સોટીથી ધીમે ધીમે મારી રહ્યો છે. બાળક પણ હસી રહ્યો અને શિક્ષક પણ હસી રહ્યો છે, એ જોતાં ગંભીર રીતે માર્યો હોય તેમ જણાતું નથી.
શિક્ષિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ : આ અંગે ગઢ પોલીસ મથકના PI કે. એમ. વસાવાએ કહ્યું કે, ધોરણ ત્રણમાં ભણતા વિદ્યાર્થીએ ગૃહકાર્ય ન લઈ જતા શિક્ષક દ્વારા માર માર્યા હોવાની હકીકત સામે આવી છે. જોકે અંગે મેડિકલ કરાવ્યા બાદ સીસીટીવી ફૂટેજમાં જોતા શિક્ષિક માર મારતો હોવાનું જણાઈ આવ્યું છે. જોકે આ અંગે પિતાએ ફરિયાદ આપતા ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિક્ષણાધિકારીએ આપ્યો તપાસનો આદેશ : આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલે કહ્યું કે, ગઢ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા બાળકને માર મારવાની ઘટના અંગેની જાણ કચેરીને થઈ છે જે બાદ તાત્કાલિક જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સમગ્ર ઘટના અંગે હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા માટે આદેશ કરાયા છે. જે હકીકતલક્ષી અહેવાલ રજૂ થયા બાદ એ શિક્ષક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાશે.