બનાસકાંઠા : હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા પંથકમાં 8 ઈંચ સહિત જિલ્લાભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ઇકબાલગઢમાં નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. ચિત્રાસણી અને અમીરગઢ રેલવે અંડપીઝમાં 11 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.
બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ : રાજસ્થાન સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નજીક આવેલી બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ ઉમરદશી અને સરસ્વતી નદીમાં પણ નવા નીર આવતા લોકોએ વધામણા કર્યા હતા.
વીજળી પડતા 4 ગાયોના મોત : પાલનપુર તાલુકાના ગોળા ગામે પશુપાલક ઉપર મેઘરાજાનો કહેર વરસ્યો હતો. ગોળા ગામના પશુપાલક પરથીજી ઠાકોરના ખેતરમાં બાંધેલી ચાર જેટલી ગાયો પર વીજળી પડતા ચારે ગાયના મોત થયા હતા. ત્યારે પશુપાલન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગોળા ગામના આ પશુપાલક ઉપર જાણે આકાશી આફત આવી પડી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ : પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક બાલારામ રોડ ઉપર બનાવવામાં આવેલા રેલવે અંડરપાસમાં 11 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. ચિત્રાસણીથી બાલારામ, વિરમપુર સહિતના ગામ અને અંબાજીને જોડતો આ માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ અમીરગઢના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. આ રેલવે અંડરપાસમાં દર ચોમાસે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળે છે.
ઘરોમાં ઘુસ્યા પાણી, ઘરવખરી તણાઈ : અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા હતા. તેમજ ઇકબાલગઢમાં શનિવારે રાત્રે પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. ઈકબાલગઢના નાળીવાસ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ઘરવખરી પાણીમાં તરતી દેખાઈ હતી. રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદથી લોકો અડધી રાત્રે ઘર છોડી બહાર નીકળવા માટે મજબૂર બન્યા.
લેન્ડ સ્લાઈડ થતા દાંતા-સતલાસણા રોડ બંધ : હવામાન વિભાગની આગાહી બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી ગિરિમાળાઓમાં 8 ઇંચ જેટલા પડેલા વરસાદના કારણે મહેસાણા થઈને સતલાસણા અને દાંતાને જોડતા માર્ગ ઉપર આંબા ઘાટા નજીક લેન્ડ સ્લાઈડ જોવા મળ્યું હતું. પથ્થરો ઘસીને રોડ આવી જતા એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે તંત્રએ કલાકોની મહેનત બાદ પથ્થરો હટાવી માર્ગ ફરી ચાલુ કર્યો હતો.
ભાવીસણા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા : પાલનપુર નજીકથી પસાર થતી લડબી નદીના પાણી પાલનપુર તાલુકાના ભાવીસણા અને વેડંચા ગામ વચ્ચે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે બે ગામ વચ્ચેનો માર્ગ બંધ થયો હતો.
મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક, ખેડૂતો ખુશ : જોકે સાર્વત્રિક નોંધાયેલા વરસાદના કારણે દાંતીવાડા ડેમ તેમજ મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્રએ પણ નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી હતી.