બનાસકાંઠા: પ્રેમ આંધળો હોય છે અને ઘણીવાર આવા પ્રેમમાં લોકો હત્યા કરતા પણ અચકાતા નથી. કંઈક આવો જ કિસ્સો ડીસાના જાવલ ગામેથી સામે આવ્યો છે. ડીસાના જાવલ ગામે થોડા દિવસો પહેલા ઘરની બહાર સુતેલા ગણેશભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતા સમગ્ર મામલે ડીસા તાલુકા અને એલસીબીએ તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. અને આખરે સમગ્ર હત્યાનો ભેદ પોલીસે ઉકેલી મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.
પિતરાઈ બહેને કરી ભાઈની હત્યા
પોલીસ તપાસમાં સમગ્ર હત્યાને અંજામ આપનાર અને હત્યાનું કાવતરું ઘડનાર બીજું કોઈ નહીં પરંતુ પિતરાઈ બહેન જ નીકળી છે. જેને સાટા પદ્ધતિમાં કરેલા લગ્ન બાદ પતિ ગમતો ન હોવાથી અને અન્ય પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાના પિતરાઈ ભાઈનું જ ઢીમ ઢાળી દીધું છે. મૃતક ગણેશભાઈના મોતથી સાટા પદ્ધતિથી કરેલા લગ્ન વિચ્છેદ થાય અને તે પ્રેમી સાથે લગ્ન કરી શકે તેવો બદ ઈરાદો પાર પાડવા પિતરાઈ બહેન જ વેરી બની હતી.
પ્રેમીને પામવા હત્યાનો પ્લાન બનાવ્યો
મુખ્ય આરોપી અને કાવતરું ઘડનાર મંજુ પટેલે ટેટોડા ગામના પોતાના પ્રેમી સહદેવ પટેલ અને સાગરીત ભરત પટેલ સાથે હત્યાનું કાવતરું ઘડી ઘરની બહાર સુતેલા ગણેશભાઈ પટેલ પર તલવાર અને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા. જેમની હવે પોલીસે ધરપકડ કરી લીધી છે. પોતાના પ્રેમીને પામવા આખરે પિતરાઈ બહેન જ હત્યારી નીકળતા ઠેરઠેર આવી બહેન પર ફિટકાર વરસી રહ્યો છે.
નોંધનીય છે કે પિતરાઈ બહેન પ્રેમમાં અંધ બની અને જે બાદ તેને હત્યાને અંજામ આપ્યો એટલું જ નહીં પોતાના પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારતા પણ ન ખચકાઈ અને આખરે હવે ખાખીના સંકજામાં આવી ગઈ છે. ત્યારે પ્રેમમાં હત્યારી બહેન અને પ્રેમી સાથે ત્રણ લોકોને જેલમાં જવાનો વારો આવ્યો છે. તો બીજીતરફ ભાઈનો જીવ જતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો: