બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં ફરી એકવાર જીઆઈડીસીમાં આવેલી સાબુની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે પરંતુ આ આગની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી. જોકે આગમાં માલ સમાન બળીને ખાખ થતા માલિકને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં આજે સાંજે અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા જ ફાયર ફાયટર સહિત ટિમ સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ કાબુમાં આવે તે પહેલાં જ ફેક્ટરીમાં રાખેલ માલ સામાન સંપૂર્ણ આગના હવાલે થતાં માલિકને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આગ લાગવાની ઘટના બાદ ડીસાનુ તંત્ર પણ દોડતું થયું હતું. નાયબ કલેકટર, ડીવાયએસપી નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તંત્રની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગ લાગવાના કારણો જાણ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જોકે ઘટના સ્થળે પહોંચેલા નાયબ કલેકટર નેહા પંચાલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, સાબુ પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. સદ્દનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ છે કે નહીં તે તપાસ તંત્ર દ્વારા હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સાબુ પાવડરની ફેકટરીમાં આગ લાગી હતી ત્યારે આ ફેક્ટરીમાં કોઈ જ ફાયર સેફટી સહિતના સાધનો ન હોવાની હાલમાં ચર્ચાઓ ઉઠી છે. જો ફેકટરીમાં હાજરમાં ફાયર સેફ્ટી સહિતના સાધનો હોતા તો આગ પર ઝડપી કાબુ મેળવી શકાયો હોત તેવી પણ ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે. આ અંગે તપાસ જરૂરી છે નહીંતર આગામી દિવસોમાં ફરી ડીસા અગ્નિકાંડ જેવી ઘટના ન સર્જાય તે અંગે ખૂબ જ ગંભીરતા પૂર્વક તપાસ જરૂરી બને છે.
ડીસામાં 1 એપ્રિલના રોજ બનેલી દુઃખદ અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ના સમાચાર મળતા જ તંત્ર તાબડતોબ દોડતુ થયું હતું. જોકે ઘટના સ્થળે પહોંચ્યા બાદ કોઈ જ જાનહાનિ ના સમાચાર ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આગામી દિવસોમાં કોઈ ગંભીર ઘટના ન બને તે બાબતે તંત્રએ હજુ પણ જો જીઆઇડીસી વિસ્તારમાં ફાયર સેફટી વિનાની ફેકટરીઓ ધમધમતી હોય તો તેમની સામે પણ તપાસ હાથ ધરવી ખુબજ જરૂરી છે.
આ પણ વાંચો: