બનાસકાંઠા : રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે બનાસકાંઠાના કોંગ્રેસ અગ્રણી અને રબારી સમાજના આગેવાનની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે. આ કાર્યવાહી પિંડવાડા નજીકથી પકડાયેલા અફીણના કેસમાં કરવામાં આવી હોવાની માહિતી છે.
કોંગ્રેસ અગ્રણીની અટકાયત : રાજસ્થાનની પિંડવાડા પોલીસે 9 એપ્રિલના રોજ ત્રણ કિલો અફીણ ઝડપ્યું હતું. જે કેસમાં હવે બનાસકાંઠાના કોંગ્રેસ અગ્રણી અને રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. ઠાકરશી રબારીની થરાદથી રબારી સમાજના છાત્રાલય ખાતેથી સ્વરૂપગંજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.
પિંડવાડા અફીણ કેસ : રાજસ્થાનની પિંડવાડા પોલીસે ત્રણ કિલો અફીણ ઝડપી પાડ્યું હતું. જેમાં બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછ ચાલી રહી છે, તેવામાં હવે બનાસકાંઠા જિલ્લાના આકોલી ગામના રહેવાસી કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલના સાંસદ ગેનીબેન ઠાકોરના કાર્યકરોમાં નજીકના મનાતા ઠાકરશીભાઈ રબારીની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પૂછપરછ માટે રાજસ્થાન લઈ જવાયા : હાલમાં રાજસ્થાન પોલીસ દ્વારા ઠાકરશી રબારીની અટકાયત કરીને સ્વરૂપગંજ પોલીસ મથકે લઈ ગયા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ સ્વરૂપગંજ પોલીસ કરી રહી છે અને અગાઉ બે લોકોની અટકાયત કરી છે. તેમાં વધુ ઠાકરશી રબારીની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સ્વરૂપગંજ પોલીસ થાણા અધિકારી કમલસિંહ રાઠોડ સહિતની ટીમ આ સમગ્ર મામલામાં તપાસમાં લાગેલી છે.
કોણ છે ઠાકરશી રબારી ? ઠાકરશી રબારીએ લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાના હાલના સાંસદ ગેનીબેન ઠાકોરને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. જો કે, કોંગ્રેસ અગ્રણીની અટકાયત બાદ બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.આ સમગ્ર મામલે હવે રાજસ્થાન પોલીસે કેવા આરોપસર ઠાકરશી રબારીની અટકાયત કરી છે અને તેમની પૂછપરછમાં અને પોલીસ તપાસમાં આગામી દિવસોમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.