બનાસકાંઠા : પાટણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા બનાસકાંઠા કલેકટર કચેરીમાં સુરક્ષાના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી. બનાસકાંઠા કલેકટર કચેરી પાલનપુર ખાતે પણ બોમ્બ અને ડોગ સ્ક્વોડ ટીમ ઓચિંતી દોડી આવી હતી. કચેરીમાં યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી હતી. જે બાદ કંઈ જ ભયજનક હાથ લાગ્યું ન હતું.
પાટણ કલેક્ટર કચેરીને બોમ્બની ધમકી : પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી હતી. જે બાદ પાટણ કલેકટર કચેરીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કલેક્ટરે કામ કરતા તમામ કર્મચારીઓને સમયસર બહાર નીકળી જવા માટે જણાવતા તમામ કર્મચારીઓ કલેકટર કચેરી બહાર નીકળી ગયા હતા. જે બાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠા કચેરીમાં પણ "બોમ્બ" : પાટણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી બાદ સુરક્ષાના ભાગરૂપે બનાસકાંઠા કલેકટર કચેરી ખાતે પણ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ ટીમે અચાનક દોડી આવી હતી. તેમણે કચેરીમાં ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ જ ભયજનક કે વિસ્ફોટક મળ્યું ન હતું. સુત્રો તરફથી જાણવા મળ્યું હતું કે માત્ર સુરક્ષાના ભાગરૂપે આ તપાસ કરવામાં આવી હતી.
સુરક્ષાના ભાગરૂપે તપાસ : ગુજરાતમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અવારનવાર મળતી હોય છે. પરંતુ પાટણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર દોડતું થયું હતું. પરંતુ પાટણ કલેકટર કચેરીમાં પણ કોઈ જ વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો. ત્યારે બનાસકાંઠા કલેકટર કચેરી ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ કરી હતી. સુરક્ષાના ભાગરૂપે કરેલી તપાસમાં પણ કઈ જ સામે ન આવતા ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.