જુનાગઢ: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં એક સાથે કેટલાક વિદ્યાર્થીઓને હાથ પર ઈજાના નિશાનના મામલામાં પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે પ્રાથમિક શાળામાં એ.એસ.પી જયવિર ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે બાળકોના હાથમાં જોવા મળતી ઈજા તેમણે સ્વયં કરી હોવાની વિગતો પણ સામે આવી છે. સમગ્ર પ્રકરણમાં શાળાના કોઈ કર્મચારીની સીધી રીતે સંડોવણી હજુ સુધી સામે આવી નથી, પરંતુ શિક્ષણ વિભાગની તપાસમાં જો કોઈ પણ કર્મચારી આ પ્રકારની ગતિવિધિમાં સામેલ કે કસૂરવાર જોવા મળશે તો તેમના વિરુદ્ધ શિક્ષણ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે.
મોટા મંજીયાસર શાળામાં વિદ્યાર્થીઓને ઈજાનો મામલો
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મંજીયાસર ગામમાં સરકારી પ્રાથમિક શાળાના 20 કરતાં વધારે બાળકોને હાથ અને પગ પર ઈજાના નિશાન જોવા મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. આજ સવારથી જ સમગ્ર મામલામાં વિદ્યાર્થીઓની ઇજાને લઈને તપાસનો ધમધમાટ જોવા મળે છે. શિક્ષણ અને પોલીસ વિભાગ દ્વારા મામલો પ્રકાશમાં આવતા જ શાળામાં પહોંચી જઈને તપાસ શરૂ કરી છે. પોલીસ વિભાગ દ્વારા શાળામાં કામ કરતા શિક્ષકોની સાથે અન્ય શાળાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લઈને સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ શાળામાં પહોંચી ગયા છેે. વિદ્યાર્થીઓને ઈજા થવાના મામલામાં કોઈ પણ શાળાનો કર્મચારી કે શિક્ષક તપાસમાં કસુરવાર સાબિત થશે તો તેના વિરુદ્ધ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે.
પ્રાથમિક તપાસમાં અન્ય કોઈની સામેલગીરી નહીં
અમરેલી એ.એસ.પી જયવિર ગઢવી શાળામાં જઈને તપાસ શરૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને તેના વાલી સાથે તેમણે બેઠક કરીને સમગ્ર મામલામાં તપાસ કરી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શાળામાં અભ્યાસ કરતા બાળકોના હાથ અને પગ પર જે ઈજાના નિશાન જોવા મળે છે, તે બાળકોએ સ્વયં પોતાની રીતે કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં શાળાના શિક્ષકો કે અન્ય કર્મચારીની સાથે અન્ય કોઈ વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિ થઈ હોય તેવું તપાસમાં સામે આવ્યું નથી. પોલીસ હજુ તપાસ કરી રહી છે અને સમગ્ર મામલામાં યોગ્ય તપાસ બાદ જો કોઈની સાબિત થશે તો તેના વિરુદ્ધ કાયદાકી કાર્યવાહી પણ થશે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કરી તપાસ
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોર મિયાણીએ પણ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની એક મીટીંગ પણ કરી હતી અને સાથે સાથે બાળકોને શાળામાં મળીને સમગ્ર મામલામાં ઇજા અને ત્યારબાદનો જે ઘટનાક્રમ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લાના શિક્ષણ વિભાગના મુખ્ય અધિકારી તરીકે તેમણે શાળાના તમામ શિક્ષકો સાથે પણ સમગ્ર મામલામાં એકદમ ગંભીરતાથી તપાસ કરી છે. તેમની તપાસમાં પણ હાલ કોઈ પણ પ્રકારની અજુગતી ઘટના શાળા પરિસર કે શાળાના શિક્ષણ કાર્ય દરમિયાન બની હોય તેવું સામે આવ્યું નથી. વિદ્યાર્થીઓને આ પ્રકારની ઈજા કરીને ગેમ રમી અને પૈસા કમાવાની પ્રેરણા કોણે આપી તે સૌથી મોટો તપાસનો વિષય છે. આ પ્રકારની દુષ પ્રેરણા આપવાના કિસ્સામાં પણ જો શાળાના શિક્ષક કે અન્ય કર્મચારી સામેલ જણાશે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ સમગ્ર મામલામાં તપાસ કરશે અને કોઈ પણ કર્મચારી કે શિક્ષક આ કૃત્યમાં સામેલ જોવા મળશે તો તેના વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરશે.

શાળાની મુખ્ય શિક્ષિકાએ પણ ઘટનાક્રમ વિશે આપી માહિતી
શાળાની મુખ્ય શિક્ષિકા વર્ષાબેન મકવાણાએ પણ બાળકોને થયેલી ઇજાના મામલે વિગતવાર માહિતી આપી હતી. આ ઘટના 18 અને 19 માર્ચના દિવસે બની હોવાની વિગતો પણ તેમણે આપી છે. શાળાના શિક્ષકોના ધ્યાનમાં સમગ્ર મામલો આવતા તેમણે 21મી તારીખે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ સાથે એક મીટીંગ કરી હતી. જેમાં બાળકોએ કોઈ ઓનલાઇન ગેમ રમ્યા બાદ તેના બદલામાં અન્ય વિદ્યાર્થીઓ પાસેથી 10 રુપિયા જેવી મામૂલી રકમ મેળવવા માટે પેન્સિલ છોલવાના શાર્પનર મારફતે હાથ અને પગમાં ઈજા કરીને આ પ્રકારની શરત લગાડી હોવાની વિગતો પણ સામે આવી છે. વાલી મિટિંગમાં બાળકોની સાથે બગસરા તાલુકા શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા હતા.