સુરત: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નિર્દેશ હેઠળ આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ 28 મે, બુધવારે ગુજરાતના સુરત શહેરની મુલાકાત લીધી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત પરિવારને મળ્યા હતા.
મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સુરતના મોટા વરાછાના સ્વ. શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોને મળ્યા હતા. તેમણે આસામના મુખ્ય મંત્રી તેમજ આસામની જનતા તરફથી શૈલેષભાઈ કળથીયાના પરિવારને સહાનુભૂતિ આપી હતી અને આ દુખદ સમયમાં સમગ્ર આસામ તેમની સાથે છે તેમ આશ્વાસન આપ્યું હતું. ઉપરાંત તેમણે આસામ સરકાર તરફથી રૂપિયા 5 લાખની સહાયનો ચેક પણ પીડિત પરિવારને અર્પણ કર્યો હતો.
આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારિકાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના અવસાનથી સમગ્ર દેશ ગમગીન છે. ભોગ બનેલા દરેક પરિવારના પડખે ઉભા રહેવા અને તેમને આર્થિક સહાય પહોંચાડવા માટે આસામ સરકારે સંવેદનશીલતા સાથે પહેલ કરી છે. આતંકી હુમલાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારની વ્યક્તિગત મુલાકાત લઈ રૂપિયા ૫ લાખની સહાય અર્પણ કરવામાં આવી રહી છે. આ સાથે આસામ સરકાર તરફથી તેમના દુખની લાગણીને સમજતા એક ખાસ શોક પત્ર પણ પીડિત પરિવારને આપ્યો હતો.

આમ, આસામ સરકાર સ્વ. શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોની પડખે ઉભી છે એમ જણાવી મંત્રી પિયુષ હજારિકાએ આ દુઃખની ઘડીમાં પરિજનોને આશ્વાસન આપીને સ્વ. શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અગ્રણી કાળુભાઈ ભીમનાથ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન સ્વ. શૈલેષભાઈ કળથીયાના પિતા તેમજ તેમના પત્નીએ આસામ સરકાર વતી આવેલા મંત્રી પિયુષ હજારિકાનો ધન્યવાદ માન્યો હતો.

ગુજરાતના પ્રવાસે આવેલા જળ સંસાધન મંત્રી આજ રોજ 29 મે એ રાજ્યના ભાવનગરની મુલાકાત લેશે અને પહેલગામ હુમલામાં ભોગ બનેલા અન્ય બે પીડિતોના પરિવારને મળશે અને તેમને સાંત્વના આપશે. ઉપરાંત આસામ સરકાર તરફથી તેમને 5 લાખનો ચેક પણ અર્પણ કરશે.
શું બની હતી ઘટના ?
એક મહિના અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ફરી રહ્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે ચાર આતંકવાદીઓ આવ્યા અને તેમણે મહિલા અને પુરુષોને અલગ કરી ધર્મ પૂછી પુરુષો પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. બાદમાં ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરી 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. જે બાદ ત્રણ ચાર દિવસ યુદ્ધ પણ ચાલ્યું હતું.

આ પણ વાંચો: