બનાસકાંઠા: અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાએ ઘણા ઘરોઓની ખુશીઓ છીનવી લીધી છે. ઘણા ઘરોમાં માતમ પ્રસરી ગયો ગયો છે. આવા જ એક વ્યક્તિ હતા અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા, જે ગુજરાતના બનાસકાંઠાના વાડિયાના વતની હતા. તેઓ તેમની પત્નીની છેલ્લી ઇચ્છા પૂરી કરવા લંડનથી તેમના વતન આવ્યા હતા અને આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા.
ગુજરાતના બનાસકાંઠાના વાડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા છેલ્લા કેટલાક વર્ષોથી લંડનમાં રહેતા હતા. નશીબે તેમને પહેલેથી જ એક કારમો ઝટકો આપ્યો હતો. તેમની પત્નીનું તાજેતરમાં જ લંડનમાં અવસાન થયું હતું. પત્નીની છેલ્લી ઇચ્છા પૂરી કરીને, અર્જુનભાઈ તેમના અંતિમ સંસ્કાર કરવા માટે તેમના વતન વાડિયા આવ્યા હતા જોકે, તેમના બંને બાળકો લંડનમાં જ છે.
વાડિયા ખાતે, શોકગ્રસ્ત સ્વજનોથી ઘેરાયેલા, તેમણે ભારે હૃદયથી બેસણું અને અન્ય ધાર્મિક વિધિઓ કરી. વસમી યાદોના બોજ હેઠળ દબાયેલા અર્જુનભાઈએ ભારે હૈયે પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યુ અને 12 જૂન 2025 ના રોજ તેમના બાળકો પાસે લંડન પરત ફરવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 માં સવાર થયા, પરંતુ નશીબને કંઈક અલગ જ મંજુર હતું.
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ. આવી સ્થિતિમાં, જે વ્યક્તિ પોતાની પત્નીને અંતિમ વિદાય આપવા આવ્યો હતો તે ક્યારેય પોતાના બાળકો પાસે પાછો ફરી શકશે નહીં. હવે તે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે અને લંડનમાં રહેતા બાળકો ઉપરથી માતા-પિતાનો છાયો હંમેશા માટે હટી ગયો છે.
આપને જણાવી દઈએ કે, ગુરુવાર, 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમલાઈનર ફ્લાઇટ, જેમાં 230 થી વધુ મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ. ટેકઓફ કર્યા પછી તરત જ, કેપ્ટન સુમિત સભરવાલે 'મેડે'નો ઈમરજન્સી મેસેજ મોકલ્યો. આ પછી, વિમાન સાથે કોઈ સંપર્ક થયો નહીં. આ પછી, વિમાન અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું.
વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના આ અકસ્માતમાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. એકમાત્ર બચી ગયેલા મુસાફરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા મુસાફરોમાં 169 ભારતીય, 52 બ્રિટિશ, એક કેનેડિયન અને 7 પોર્ટુગીઝનો સમાવેશ થાય છે. બચી ગયેલા મુસાફરમાં એક બ્રિટિશ નાગરિક છે, જે ભારતીય મૂળનો છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.