અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા સ્થળો પર જીએસટી વિભાગની દરોડાની કાર્યવાહી સામે આવી છે. હાલમાં જ અમદાવાદમાં મણિનગર, કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં થી અંદાજીત રૂ.5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી. હવે વધુ એક વાર અમદાવાદ શહેર સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓ શહેરોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 20 સ્થળો પરથી 5 કરોડથી વધુ રૂપિયાની કરચોરી પકડી પાડવામાં આવી છે.
ચોક્કસ ઈન્ટેલીજન્સ ઈન્પુટ્સ અને સર્વેલન્સના આધારે સ્ટેટ જીએસટી વિભાગે 02 એપ્રીલે 2025ના રોજ ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત ખાતેના પાન મસાલા અને તમાકુના મેન્યુફેક્ટરિંગ યુનિટ, ગોડાઉન અને ડિસ્ટ્રીબ્યુટર્સ તેમજ છૂટક વેચાણ કરતા વેપારીઓને આવરી લઈ સમગ્ર સપ્લાય ચેઈનને સમાવી લઈને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જે કાર્યવાહી દરમિયાન અમદાવા, વાપી, વલસાડ, પાલનપુર, ડીસા, હિંમતનગર તેમજ સતલાસણા ખાતેના 8 વેપારીઓ સાથે સંકળાયેલા કૂલ 20 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, સ્ટોક વગેરે જેવી ઘમી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. જે કરદાતાઓને ત્યાંથી અંદાજે રૂ. પાંચ કરોડથી વધુની કરચોરી મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદ શહેરના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પાન મસાલા અને તમાકુના વેપારીઓના સ્થાનો પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ 22 સ્થળો પર કાર્યવાહીમાં વેપારીઓ પાસેથી અંદાજીત રૂ.5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી.