અમરેલી: સાચા અર્થમાં સેવાની પર્યાય બનતી અમરેલી પોલીસે વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લાપાળીયાના એક ખેડૂત પરિવારને વ્યાજની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ઉપરાંત પોલીસે વ્યાજખોરોએ હડપ કરી લીધેલી નવ વીઘા જમીન ખેડૂતને પરત અપાવીને કાયદાની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમરેલી પોલીસની માનવતા, ખેડૂતને પરત અપાવી ખેતીની જમીન:
અમરેલી જિલ્લા પોલીસનો કાયદાની અમલવારી સાથે માનવતા ભર્યો અભિગમ સામે આવ્યો છે. અમરેલી તાલુકાના લાપાળીયા ગામના ખેડૂત કનુભાઈ લુણાગરિયાની નવ વીઘા ખેતીલાયક જમીન વ્યાજખોરોએ પડાવી લેતા મુશ્કેલીમાં મુકાયેલા કનુભાઈ લુણાગરીયાએ અમરેલી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે પોલીસને વ્યાજખોરોના ત્રાસ અને ચુંગાલમાંથી છોડાવવાની અરજી કરી હતી.
પોલીસે આરોપી વ્યાજખોર બાબુભાઈ તેરેયાને કાયદાની સાથે સમજદારીનો પાઠ ભણાવીને ખેડૂત કનુભાઈ લુણાગરિયાની પચાવી પાડેલી 9 વિઘા જમીન પરત અપાવીને વ્યાજખોરોને આકરી ભાષામાં તો ખેડૂતને માનવતા ભર્યા અભિગમમાં મદદ કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ:
ફરિયાદી કનુભાઈ લુણાગરિયાના પુત્રએ ચાર વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયા વ્યાજખોર બાબુભાઈ તેરૈયા પાસેથી 10 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ પર લીધા હતા. છેલ્લા ચાર વર્ષથી વ્યાજખોર બાબુભાઈ ફરિયાદી કનુભાઈ અને તેના પુત્ર શૈલેષ પાસેથી અત્યાર સુધીમાં વ્યાજના મળીને કુલ 12 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને ખેડૂત પાસેથી પડાવી લીધા હતા. ઉપરાંત ધાક ધમકી આપીને વધુ વ્યાજના રૂપિયા વસૂલવા માટે વ્યાજખોર બાબુભાઈ તેરૈયાએ ખેડૂત પિતા-પુત્રને ધમકી આપતા તેઓ સુરત રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેમ છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી બંધ નહીં થતા કનુભાઈએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તેમની ખેતીલાયક જમીન ગીરવે મૂકીને કેટલીક રકમ વ્યાજખોરને આપી હતી.
12 લાખથી સંતોષ ન થતાં ખેડૂતનો કપાસ પણ વેચી માર્યો:
વ્યાજખોર બાબુલાલ તેરૈયાએ ફરિયાદી કનુભાઈ લુણાગરિયા પાસેથી 3,00,000 ના બદલામાં 12 લાખ રૂપિયા જેટલી મોટી રકમ વ્યાજ પેટે પડાવી લીધી હતી. તેમ છતાં વ્યાજખોર બાબુલાલ તેરેયાને સંતોષ ન થતા તેણે કનુભાઈ લુણાગરિયાના બંધ મિલકતમાં પડેલો 800 મણ કપાસ કે જેની બજાર કિંમત 7 લાખ રૂપિયા થતી હતી તેને પણ વેચીને વધુ કેટલાક રૂપિયા પડાવી લીધા હતા.

રેવન્યુ સર્વે નંબરની નવ વીઘા જમીન:
3 લાખ રૂપિયાના બદલામાં 12 લાખ રૂપિયા જેટલું વ્યાજ અને 7 લાખ રૂપિયાનો કપાસ વહેંચી મારીને સંતોષ ન થતાં વ્યાજખોર બાબુલાલ તેરૈયાએ અમરેલી તાલુકાના લાપળીયા ગામના રેવન્યુ સર્વે નંબર 355 ની નવ વીઘા જમીન કે જેની વર્તમાન બજાર કિંમત 40 લાખની આસપાસ થવા જાય છે, તે 11 લાખમાં ફરિયાદી કનુભાઈ લુણાગરિયા પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને સમગ્ર ખેતીલાયક જમીન પચાવી પાડીને પોતે તેમાં બે વર્ષથી ખેતી કરી રહ્યો હતો.
17 તારીખને શનિવારે પોલીસે અપાવી જમીન પરત:
અમરેલી જિલ્લા પોલીસને 17મી મે શનિવારના દિવસે ફરિયાદી કનુભાઈ લુણાગરિયા અને આરોપી વ્યાજખોર બાબુભાઈ તેરૈયાને એક સાથે બેસાડીને સમગ્ર મામલામાં કોઈ અંતિમ નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. આરોપી પાસે રહેલી ફરિયાદીની જમીનના બાનાખત રદ કરીને વ્યાજખોર બાબુલાલ તેરૈયાએ દીવાની દાવો પોલીસની સમજાવટથી પરત ખેચ્યો હતો. ઉપરાંત કનુભાઈ લુણાગરિયાને તેમની માલિકીની નવ વીઘા જમીન કે જેના પર 17 તારીખને શનિવાર સુધી વ્યાજખોર બાબુલાલ તેરૈયા પાસે ગેરકાયદેસર કબજો હતો તેને મૂળ માલિક ખેડૂત કનુભાઈ લુણાગરિયાને પરત સોંપી દીધી હતી. આ, સમગ્ર મામલામાં અમરેલી પોલીસે વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરીને ખેડૂતને માનવતા ભર્યા વાતાવરણમાં તેમની જીવનની મૂડી સમાન ખેતીલાયક 9 વીઘા જમીન પરત અપાવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: