રાજકોટ : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે. મૃતકની સ્યુસાઇડ નોટમાં જેના પર હનીટ્રેપનો આરોપ છે તે યુવતીએ રાજકોટ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં DCP સહિત 19 અધિકારીઓ સામે ગંભીર આરોપ લગાવ્યા છે, જાણો સમગ્ર વિગત...
DCP સહિત 19 અધિકારીઓ સામે ફરિયાદ : અમિત ખુંટ આત્મહત્યા કેસની આરોપી યુવતીએ રાજકોટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રાજકોટ DCP જગદીશ બાંગરવા, રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI, LCB સ્ટાફના 15 પોલીસકર્મી અને 2 મહિલા PSI વિરુદ્ધ ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. સાથે જ ફરિયાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસ માટે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવાની માંગ કરી છે.
આરોપી યુવતી હવે બની ફરિયાદી : આ કેસમાં આરોપી યુવતી હવે ફરિયાદી બની ગઈ છે. યુવતીએ રાજકોટ કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 3 મે ના રોજ અમિત ખુંટ વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. વર્તમાન ફરિયાદના સંદર્ભમાં સગીરાને 5 મે ના રોજ મેડિકલ રિપોર્ટ કરાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી. ત્યાંથી PI તથા અન્ય પોલીસ અધિકારીઓ બંનેને રાજકોટ CP ઓફિસમાં DCP સમક્ષ હાજર કર્યા હતા.
રાજકોટ DCP પર ગંભીર આરોપ : ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, DCP એ તેમને ધમકી આપી હતી કે તમે બંનેએ કરેલા કાંડને કારણે જ અમિત ખૂંટે આત્મહત્યા કરી છે. તમે બંને આમાં ફસાઈ જવાના છો અને કહ્યું કે તમે બંને કબૂલી લો કે અમિત ખૂંટને તમે હનીટ્રેપમાં ફસાવ્યો છે, બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો.
હોટેલના રૂમમાં બંધક બનાવ્યા :
પોલીસ તેમને ફરીથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ, ત્યાંથી તેમને સુરભી હોટલ લઈ જવામાં આવ્યા. ત્યાં તેમનો રૂમ બંધ કરીને પોલીસ સ્ટાફના કુલ 15 અધિકારીઓએ તેમને સુરભી હોટલ ખાતેના રૂમમાં જ સવાર સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યા પહેલા તેમને એક દિવસ અને એક રાત રાજકોટ ખાતે ગોંધી રાખ્યા હતા. તે બાબતે હાલની ફરિયાદ કરી રહ્યા છીએ.
યુવતીએ ફરિયાદમાં આરોપ લગાવી કહ્યું કે, 15 અધિકારીએ સુરભી હોટેલના રૂમમાં બંધક બનાવ્યા અને એક દિવસ અને એક રાત સુધી ગોંધી રાખ્યા હતા. સાથે જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની મરજી વિરુદ્ધ બેસાડી રાખ્યા હતા. કોઈપણ પંચનામા વિના મોબાઈલ ફોન લઈ લીધા અને લઈ જવા-લાવવા માટે કાળા કાચવાળી ગાડીનો ઉપયોગ કર્યો હતો.
SMC ને તપાસ સોંપવા માંગ : આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને (SMC) સોંપવા યુવતીએ કોર્ટ સમક્ષ માંગ કરી છે. જણાવી દઈએ કે, હાલ આ યુવતી ગોંડલ સબજેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.