અમદાવાદ : હેરિટેજ સિટી અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા અર્બન હાઉસ બનાવવામાં આવશે. આ હાઉસમાં બાંધકામની વિકાસ પરવાનગીથી લઈને વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે. જેથી નાગરિકોને અલગ અલગ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં તૈયાર થનાર અર્બન હાઉસ પાછળ રૂ. 96 કરોડનો ખર્ચ થશે.
અમદાવાદમાં બનશે અર્બન હાઉસ : આ અંગે અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વર્ષ 2025-26 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નાગરિકોને સારી સુવિધા મળે એ માટે મહાનગરપાલિકા દ્વારા મીઠાખળી ખાતે અર્બન હાઉસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. લગભગ 5000 ચોરસ મીટર કરતા મોટા પ્લોટની અંદર 10 માળની ઈમારત લગભગ 96 કરોડના ખર્ચે બનશે, અઢી વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ થશે.
અત્યાધુનિક ઈમારતમાં ઉચ્ચ સુવિધા : ગ્રીન એન્વાયરમેન્ટ કન્સેપ્ટના આધારે મીઠાખળી ખાતે અર્બન હાઉસ બિલ્ડિંગ નિર્માણ કરાશે. અઢી વર્ષમાં આ હાઉસ તૈયાર કરવામાં આવશે. એની અંદર સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા શહેરી વિકાસને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ હશે. તદુપરાંત જે વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરી રહ્યા છે એ લોકો માટે શહેરી વિકાસને લગતા સેમિનાર યોજી શકાય એના માટે એક મોટા ઓડિટોરિયમનું પણ એની અંદર આયોજન કરવામાં આવ્યું છે.
તમામ કામગીરીનું વન સ્ટોપ સેન્ટર : દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું કે, જમીન પ્લોટને લગતા વિવિધ અભિપ્રાય, બેટરમેન્ટ ચાર્જ, ઝોનિંગ સર્ટિફિકેટ સહિતની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવશે. અહીં ટીપી અભિપ્રાય પ્લાન પાસ હોય, રેકોર્ડની જાળવણી પણ કરાશે. હવે નાગરિકોને અલગ અલગ કચેરીના ધક્કા નહીં ખાવા પડે.