અમદાવાદ: દર વર્ષે ભગવાન જગન્નાથ રથયાત્રાની ભક્તો રાહ જોતા હોય છે. અને આ વર્ષે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા નીકળવાની છે. અને 29 જૂનના અષાઢી બીજના દિવસે આ રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળશે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર રણછોડરાયજીના મંદિરનું ચાલુ વર્ષે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. જેનાથી ભક્તોને મોટી રાહત મળશે.
સરસપુરમાં રણછોડરાય મંદિર મોટું કરાશે
આ મુદ્દે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉમંગભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવેલા રણછોડરાય મંદિરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. રણછોડરાય મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે જે ખૂબ જ નાનું હોવાના કારણે દર્શનાર્થીઓને દર્શન કરવામાં તકલીફ પડતી હતી. જેના પગલે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરને મોટું કરવાનો નિર્ણય લીધો છે. જેને ભાગરૂપે ચાલુ વર્ષે 12 ફૂટ જેટલું મંદિર મોટું કરવામાં આવશે.
મંદિરની દિવાલ તોડીને 12 ફૂટ પહોળું કરાશે
તેમણે જણાવ્યું હતું કે, જગન્નાથજીના મોસાળ રણછોડરાયના મંદિરમાં ઘણા ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે. મોટી સંખ્યામાં આવનાર દર્શનાર્થીઓને દર્શન કરવામાં મંદિરમાં તકલીફ પડે છે. આ વર્ષે વધુમાં વધુ ભક્તો દર્શનનો લાભ લે એના માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં મંદિરને અત્યારે હાલમાં પ્રાથમિક રીતે 12 ફૂટનું કરવાના છીએ. જેમાં દીવાલ તોડીને મંદિર પહોળું કરવામાં આવશે.
તેમણે વધુ જણાવ્યું હતું, તે મંદિરને મોટું કરવા માટે આજુબાજુની બેથી ત્રણ મિલકતો પણ અમે લઈ રહ્યા છીએ. ભગવાનનું મંદિર કેવી રીતે બનાવવાનું છે તેની હજી વિચારણા ચાલુ છે. રથયાત્રા સમયે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. જેના કારણે ભીડ થાય છે અને ધક્કા મુક્તિ થાય છે. જેથી હવે એક સાથે મંદિરમાં 100 જેટલા લોકો ઊભા રહી શકે તે રીતનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો:
કેરી રસિકોને આનંદો: ભાવનગરમાં કેસર કેરીનું આગમન, આ સીઝનમાં શું ચાલી રહ્યો છે ભાવ?
સાવજોની પણ થાય છે વસ્તી ગણતરી! પણ તમને ખબર છે સિંહોની ગણતરી કેવી રીતે અને કોણ કરે છે?