
અમદાવાદનું વાંચ ગામ: દિવાળીના ફટાકડાનું મીની શિવાકાશી, નવી વેરાયટી અને ભાવમાં વધારો
અમદાવાદનું વાંચ ગામ, જે ગુજરાતનું ‘મીની શિવાકાશી’ તરીકે પ્રખ્યાત છે, ફટાકડા ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે.

Published : October 9, 2025 at 5:34 PM IST
અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવાની પરંપરા છે, અને લોકો દૂર-દૂરથી ફટાકડાની ખરીદી માટે આવે છે. અમદાવાદનું વાંચ ગામ, જે ગુજરાતનું ‘મીની શિવાકાશી’ તરીકે પ્રખ્યાત છે, ફટાકડા ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વિવિધ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે, અને પેઢીઓથી લોકો આ વ્યવસાય દ્વારા રોજીરોટી મેળવે છે. આ ગામમાંથી ગુજરાતના અન્ય ભાગો અને બીજા રાજ્યોમાં પણ ફટાકડા સપ્લાય થાય છે. આ વર્ષે કયા ફટાકડાનો ક્રેઝ છે, નવી વેરાયટી શું છે, અને ભાવ કેટલા છે? આગળ જાણો.
વાંચ ગામ: ફટાકડાનું હબ
ફટાકડા ફેક્ટરીના વેપારી પ્રિયાંક શાહે જણાવ્યું કે, વાંચ ગામ ગુજરાતમાં ફટાકડા માટે સૌથી પ્રખ્યાત સ્થળ છે. અહીં દૂર-દૂરથી લોકો ખરીદી માટે આવે છે, કારણ કે અહીં સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફટાકડા મળે છે. જોકે, આ વર્ષે સતત વરસાદને કારણે ઉત્પાદન ઓછું થયું છે, જેના પરિણામે ઓર્ડરની તુલનામાં ફટાકડાનું ઉત્પાદન ઓછું રહ્યું છે. વરસાદના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી છે, અને ઓર્ડર પૂરા કરવા માટે કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. ફેક્ટરીઓમાં ફાયર SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવામાં આવે છે.
આ વર્ષે બોમ્બના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. મરચી બોમ્બ, 555, અને અન્ય બોમ્બના ભાવ ઊંચા ગયા છે. પ્રિયાંક શાહે વધુમાં જણાવ્યું કે, અમદાવાદના દસકોઈ તાલુકામાં આવેલું વાંચ ગામ ‘મીની શિવાકાશી’ તરીકે ઓળખાય છે. આ ગામ રોજગારીના ક્ષેત્રે પણ જાણીતું છે. અહીં 50થી વધુ ફટાકડા ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાંથી ઉત્પાદિત ફટાકડા ગુજરાતના વિવિધ ભાગો તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં નિકાસ થાય છે.

નવી વેરાયટી અને ભાવ
આ વર્ષે ફટાકડામાં નવી વેરાયટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં બટરફ્લાય, ડ્રોન, પીકોક મલ્ટી-કલર બેકિંગ શોર્ટ્સ, અને નાના બાળકો માટે ઘડી આઈટમ્સનો સમાવેશ થાય છે. બટરફ્લાય પેન્સિલવાળા ફટાકડા પણ ઉપલબ્ધ છે. બોમ્બ સિવાયની અન્ય વસ્તુઓના ભાવમાં 10% ઘટાડો થયો છે, જ્યારે બોમ્બના ભાવમાં ઓછા ઉત્પાદનને કારણે 10-15%નો વધારો થયો છે. દરેક બોમ્બના પેકેટમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. જોકે, વાંચ ગામમાં બજારની તુલનામાં 10-15% સસ્તા ભાવે ફટાકડા મળે છે, જેના કારણે લોકો અહીં ખરીદી માટે આવે છે.


રોજગારી અને સલામતી
વાંચ ગામની ફટાકડા ફેક્ટરીઓમાં 200થી વધુ પરિવારો રોજગારી મેળવે છે, જેમાં આસપાસના પાંચ ગામોના કારીગરોનો સમાવેશ થાય છે. આ ગામના લોકો ફટાકડા ઉત્પાદન દ્વારા આત્મનિર્ભર બન્યા છે, અને 500થી વધુ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. દિવાળીના 10-12 દિવસ પહેલાં રિટેલ વેચાણ શરૂ થઈ ગયું છે, અને ગ્રાહકોની ભીડ જોવા મળે છે. ફેક્ટરીઓમાં કારીગરોની સલામતી માટે ખાસ કાળજી લેવામાં આવે છે. ફાયર વિભાગ પાસેથી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવામાં આવે છે, અને કારીગરોને પાણીની ડોલ, માટીની ડોલ અને ફાયર સેફ્ટી બોટલ સાથે રાખવાની સૂચના આપવામાં આવે છે.
ગ્રાહકોનો પ્રતિસાદ
અમદાવાદના ઘોડાસરથી ફટાકડા ખરીદવા આવેલા મગનભાઈ ભટ્ટીએ જણાવ્યું કે, “અમે દર વર્ષે વાંચ ગામમાંથી ફટાકડા ખરીદીએ છીએ, કારણ કે અહીં સ્થાનિક ઉત્પાદનો સસ્તા અને સારી ગુણવત્તાવાળા મળે છે. આ વર્ષે અમે ચકરી, બોમ્બ, કોઠી જેવી વેરાયટી ખરીદી છે. દિવાળીને ધૂમધામથી ઉજવવા માટે બાળકો માટે તમામ પ્રકારના ફટાકડા અહીં મળી રહ્યા છે.”
આ પણ વાંચો:

