અમદાવાદ : વસ્ત્રાલની ઘટના પછી અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ આરોપીને ડંડાવાળી કરીને તેમના ગેરકાયદેસર મિલકતો તોડી રહી છે. ત્યારે અમદાવાદના સરખેજ-ઉજાલા વિસ્તારમાં પાંચ ગુનેગારોના મકાન તોડવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર બાંધકામ અને આરોપીઓના મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
"આવી જ રીતે બીજા ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવશે અને તેમના પર આગળ કાર્યવાહી કરવામાં આવશે."-- આર. કે. ધોડિયા (PI, સરખેજ પોલીસ સ્ટેશન)
ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા : આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના PI આર. કે. ધોડિયાએ જણાવ્યું હતું કે, આજે પાંચ ગુનેગારાના મકાન સરખેજ વિસ્તારમાં તોડવામાં આવ્યા છે. જેમાં મકાન અને ચાર દુકાન, જે સરકારી જગ્યા ઉપર હતા, તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ મળીને તોડી પાડ્યા છે. જે ગુનેગાર અને અસામાજિક તત્વો છે અને સરકારી જમીન પર બાંધકામ બનાવેલા છે એના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે.
સરખેજના પાંચ બુટલેગરો સામે કાર્યવાહી : અસામાજિક તત્વોને બોધપાઠ આપવા માટે તેમના ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. જેમાં સરખેજ-ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ લોકોમાં લક્ષ્મણ ઉર્ફ ક્રિષ્ના ગુલાબસિંહ રાઠોડ, બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, નવીનભાઈ બાબુભાઈ રાઠોડ અને નાગરકાંદે શર્માનો સમાવેશ થાય છે. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓ અંતર્ગત આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.