અમદાવાદ: વિમાન દુર્ઘટના પછી, ઘણી સંસ્થાઓ મદદ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચી રહી છે. દર્દીઓ અને તેમના પરિવારદનો માટે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરી રહી છે. વિમાન દુર્ઘટનાને લઈને અમદાવાદ સ્થિત સંસ્થા, ઈશા ફાઉન્ડેશનની 70 થી 80 લોકોની ટીમ બીજે મેડિકલ કોલેજ પહોંચી હતી તેમણે અસરગ્રસ્ત લોકોને નાસ્તો અને પાણીનું વિતરણ કર્યું અને તેઓ અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે ઈશા ફાઉન્ડેશનના સભ્ય મૌલાના હબીબે કહ્યું કે, વિમાન દુર્ઘટનાની ઘટનાથી આખો દેશ દુઃખી છે. આ દુઃખમાં જીવી રહ્યો છે. આ ખૂબ જ ખરાબ ઘટના છે. અમે આ ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેમના પરિવારોને ધૈર્ય આપે.
અમે સરકારને અપીલ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટના ન બને. આવા કામ કરવા જોઈએ. આ ઘટના જોઈને, આજે અમે બીજે મેડિકલ કોલેજ આવ્યા અને અહીં અમે ઘટનામાં શહીદ થયેલા લોકોના પરિવારોને મળ્યા અને તેમને સાંત્વના આપી. અમે તેમને નાસ્તો અને પાણી પીવડાવ્યું, અને જો લોકોને જરૂર પડશે, તો અમે તેમના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરીશું અને અમે શક્ય તેટલું રક્ત પણ એકત્ર કરીશું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમ લાઈનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, આ વિમાનમાં 230 મુસાફરો સવાર હતા, જેમાં 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ 7 પોર્ટુગિઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે આ ફ્લાઈટમાં 12 ક્રુ મેમ્બર હતા. ફ્લાઈટમાં સવાર ક્રુ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે.
12 જૂન ગુરુવારના રોજ બપોરે 1:38 થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ થી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફલાઈટ નંબર 171 ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટ ટેક ઓફ થયા 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ ખાતે આઇજીપી કમ્પાઉન્ડ સ્થિત બિલ્ડીંગ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.