અમદાવાદ : દર વર્ષે ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં ગટર લાઈન અને સ્ટોર્મ વોટર સુવિધાના અભાવના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ આ જૂન મહિના સુધીમાં લોકોને તેનાથી રાહત મળી જશે તેવો દાવો સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કરવામાં આવ્યો છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, રીંગરોડ ફરતે વેસ્ટર્ન અને ઈસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનની કામગીરી ચોમાસા પહેલા પૂરી થઈ જશે.
પાણી ભરાવવાની સમસ્યાનું સમાધાન : અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ઔડા દ્વારા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડની ફરતેના વિસ્તારમાં ખાસ કરીને બોપલ, ઘુમા, શીલજ, ભાડજ, શેલા, સાયન્સ સીટી વિસ્તાર, સાઉથ બોપલ, એપલવુડ, સનાથલ, શાંતીપુરા અને ફતેહવાડી વગેરે વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામ થયા છે અને નાગરિકો રહેવા પણ ગયા છે.
28 કિલોમીટર લાંબી મેઇન ટ્રંક લાઇન : આ વિસ્તારમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે. તેના ભાગરૂપે પશ્ચિમ રિંગ રોડ ઉપર 28 કિલોમીટર લાંબી મેઇન ટ્રંક લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી 90 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. આ મેઈન ટ્રંક લાઈનમાંથી ઉપરોક્ત જણાવેલ તમામ વિસ્તારમાં ગટરના પાણીના નિકાલ માટેની લાઈનના જોડાણ કરી આપવામાં આવશે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ : આ જોડાણમાં થઈને પાણી મેઇન ટ્રંક લાઈન ફતેપુરા આગળ જશે, જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને ગટરના પાણી ટ્રીટ કરી સાબરમતી નદીમાં છોડવામાં આવશે. આ લાઈન ચોમાસા પહેલા લગભગ જૂનમાં સુધીમાં કાર્યરત થઈ જશે અને પછી રિંગ રોડ ફરતેના વિસ્તારોની ગટરના પાણી સમસ્યા સાથે હાલ વરસાદી પાણી ભરાવાનું પ્રશ્ન પણ ઉકેલાઈ જશે.
ક્યારે પૂર્ણ થશે પ્રોજેક્ટ ? દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રિંગ રોડની આઉટર વિસ્તારો માટે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મેઈન લાઈનનો પ્રોજેક્ટ જૂન મહિના સુધી પૂરો કરવાની તાકીદ ઇજનેર ખાતાને કરવામાં આવી છે. જેથી 15 જૂન પછી વરસાદ શરૂ થાય તો રિંગ રોડ આસપાસ નાગરિકોને કોઈ જ પ્રકારે હાલાકી વેઠવી નહીં પડે.
દેવાંગ દાણીએ આગળ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને અંડરપાસમાં અથવા તળાવ અને નવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા અનેકવિધ પગલા લઈ રહી છે.
વરૂણ પંપ ઉલેચશે પાણી : અગમચેતીના ભાગરૂપે પાણી ઉલેચવા હેવી ડ્યુટી વરૂણ પંપની જરૂરિયાત વધી છે. શહેરની આસપાસની પંચાયતો-પાલિકા વગેરે જગ્યાએ પણ વરસાદી પાણી ઉલેચવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વરૂણ પંપની મદદ માંગવા આવે છે. હાલ કોર્પોરેશન પાસે 25 વરુણ પંપ છે અને આગામી વરસાદ પહેલા વધુ દસ વરુણ પંપ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.