અમદાવાદ: આગામી 27મી જૂને અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરાય છે. ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે, રથયાત્રાના રોડ પર ભયજનક મકાનો પર AMC અને પોલીસના કર્મચારીઓ હાજર રહેશે. ઉપરાંત લીસ્ટેડ મકાનો પર સ્ટાફ મુકવામાં આવશે.
આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, રથયાત્રાના રૂટ પર રહેલા ભયજનક મકાનો પર કોર્પોરેશન અને પોલીસ તૈનાત કરવામાં આવશે. લીસ્ટેડ મકાનો પર સ્ટાફને મુકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રૂટ પરના જર્જરિત મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઈ રહી છે. બે વર્ષ અગાઉ દરિયાપુર પહોંચેલી રથયાત્રા દરમિયાન એક મકાનની ગેલેરી પડતા જાનહાનિનો બનાવ બન્યો હતો, જેને લઇને આ વખતે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રથયાત્રાને માટે ઠેરઠેર રોડનું સુશોભિત કરવાથી લઈને રસ્તા રીપેરીંગ અને મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા મકાનોને ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તદુપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવેલા 1,000 થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે અને આ પ્રક્રિયા દર વર્ષે હાથ ધરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, 470 મકાનો તો અતિ જર્જરિત એટલે કે અતિ ભયજનક સ્થિતિમાં છે. તેના કારણે પણ લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. ખાડિયા, માણેકચોક, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, જમાલપુર સહિતના રથયાત્રાના રોડ પર એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વર્ષોથી બંધ તેમજ અતિ જર્જરિત અને લાંબા સમયથી કોઈ રહેતું ન હોય તેવા મકાનોની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: