અમદાવાદ : ચોમાસા દરમિયાન વરસાદના પાણી ન ભરાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીની સમસ્યા ઉદભવતી હોય છે અને શહેરના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રિ-મોન્સૂન પ્લાન મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ : અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ સ્વિમિંગપુલ સિટી બની ગયું છે. શહેરમાં 3200 કિલોમીટરના રોડ હોવા છતાં પણ 960 km માં જ વરસાદી પાણીની લાઈન આપવામાં આવી છે. ભાજપના શાસકો દ્વારા છેલ્લા દસ વર્ષમાં માત્ર 56 કિલોમીટરની જ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે. સ્પષ્ટ જણાય છે કે પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર નામની કરવામાં આવી છે.
"રૂ. 3000 કરોડની વર્લ્ડ બેંકની લોનનું શું કર્યું ?" : શહેઝાદ ખાન પઠાણ
શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે, જો હવે ચોમાસામાં વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવશે. કારણ કે અધિકારીઓ AC કેબીનમાં બેસીને દર વર્ષે દાવો કરે છે કે આ વખતે પાણી નહીં ભરાય. પણ એક જ વરસાદમાં અમદાવાદ સ્વિમિંગ પૂલ બની જાય છે. ત્રણ વર્ષ પહેલાં કહ્યું હતું કે 3000 કરોડની વર્ડ બેન્કની લોનથી સ્ટ્રોંગ વોટર લાઈનનું કામ કરીશું, પરંતુ આજ સુધી આ કામ થયું નથી.
મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ : શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર 480 સ્ક્વેર કિલોમીટરમાં છે. જેમાં 3200 કિલોમીટર રોડ પર 923 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી છે. વર્ષ 2023-24 માં માત્ર 970 કિલોમીટર સ્ટ્રોમ લાઇન નાંખવામાં આવી છે. છેલ્લા દસ વર્ષમાં સત્તાપક્ષે માત્ર 56 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઈનનું કામ કર્યું છે. તો 3000 કરોડની વર્લ્ડ બેંકની લોનનું શું કર્યું ?