અમદાવાદ : ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાંધકામો પર તંત્રની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. ગત 29, એપ્રિલથી આરંભાયેલા મેગા ડિમોલેશનમાં અત્યાર સુધી 12,000 દબાણો દૂર કરાયા છે. બુધવારે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. શું છે આજની ડિમોલેશન અંગે મહત્વની જાણકારી જાણીએ...
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન : અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી ડિપોર્ટ કરવાના અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાના આશયથી ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં કુલ 12,000 કાચા-પાકા સ્ટ્રકચરને ડિમોલેશનથી દૂર કરાયા છે.
ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરાયા : બુધવારે વહેલી સવારે આરંભાયેલા પુનઃ ડિમોલેશન દરમિયાન મસ્જિદ સહિત મંદિરોને પણ દૂર કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સવારથી ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. બુધવારે વહેલી સવારથી પાંચ હિટાચી મશીન અને અન્ય જેસીબી મશીન સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું.
મંદિર-મસ્જિદ સહિત સાત ધાર્મિક સ્થળો : અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના 6 DCP તથા બે JCP સહિત 500 પોલીસ કર્મચારીઓ આજના ડિમોલેશનમાં જોડાયા હતા. મેગા ડિમોલેશનના ભાગરૂપે ચંડોળાની ગરીબ નવાબ મસ્જિદ અને હનુમાન મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થાનોને દૂર કરાયા છે. ચંડોળા વિસ્તારની સાથે ઈસનપુર ખાતેના દશા મા ના મંદિર નજીકના કેટલાક દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે.
ડિમોલેશન પહેલા જગ્યાથી ખાલી કરાવી : બુધવારના ડિમોલિશનની પ્રક્રિયા પહેલા દબાણના સ્થળો ખાલી કરાયા હતા. બુધવારે સવારથી આરંભાયેલા ડિમોલેશન દરમિયાન સાત ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે. બુધવારના ડિમોલેશનની પ્રક્રિયામાં ઈસનપુરથી શાહઆલમના રસ્તે સ્થિત ગરીબ નવાઝ મસ્જિદને દૂર કરવામાં આવી છે. ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ડિમોલેશન હેઠળ જે ધાર્મિક સ્થાનોને દૂર કરવામાં આવ્યા એ પહેલા ધાર્મિક સ્થાનોને ખાલી કર્યા હતા.