અમદાવાદ : શહેરના રસ્તા પર રખડતા પશુઓને પકડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જુદા જુદા ઢોરવાડામાં રાખે છે. આ પશુઓના છાણમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવાના પ્રોજેક્ટ ઉપરાંત બાયોગેસ ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ પર લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદના દાણીલીમડા અને બાકરોલ ખાતે 64 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
પશુઓના છાણનો સદ્દઉપયોગ : રખડતા ઢોરની પોલીસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા પશુઓને પકડી અને બાકરોલ, કરુણા મંદિરમાં રાખવામાં આવે છે. આ પશુઓ દ્વારા દૈનિક ધોરણે 2,500 કિલોગ્રામ જેટલું છાણ ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. આ અંગે CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, અમદાવાદના બાકરોલ અને દાણીલીમડા, કરુણા મંદિર ખાતે 64 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
બે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના : આ એક પ્લાન્ટ 32 લાખના ખર્ચે નાખવામાં આવ્યો છે, જે રોજના એક ટન પશુના છાણ-ઘાસચારા વગેરે ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી દૈનિક ધોરણે 50 કિલોગ્રામ બાયોગેસ જનરેટ કરશે. જેનો ઉપયોગ કમિટી કિશન કેન્ટીન વગેરેમાં કરી શકાશે. કરુણા મંદિરની મુલાકાતે ગૌવંશની સેવા અર્થે આવનાર મુલાકાતીઓ માટે ચા, કોફી, નાસ્તો કરવા આ ગેસનો ઉપયોગ કરવા આયોજન કરાશે.
છાણમાંથી વીજળી પણ ઉત્પન્ન થશે : કરુણા મંદિરમાં દૈનિક ધોરણે 2,500 કિલોગ્રામ જેટલું છાણ ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. Net zero cell ની ગાઈડલાઈન મુજબ જનરેટ થતા છાણમાંથી રિસોર્સ એનર્જી યુઝ કરી વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. આ પ્લાન્ટમાંથી 40 યુનિટ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. આ વીજળીનો ઉપયોગ કરુણા મંદિર ખાતે લાઇટ, પંખા અને બીજા ઉપકરણો માટે કરવામાં આવશે.

બાયોગેસનો ઉપયોગ ક્યાં થશે ?
દૈનિક ધોરણે જનરેટ થતાં છાણને મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગાયત ખાતાની ગ્યાસપુર ખાતેની સાઈડમાં લઈ જઈ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયત સમય બાદ તે સુકાઈ જાય છે. આ મશીન ઇન્સ્ટોલ થયા બાદ 15 દિવસ સુધી ટેસ્ટિંગ ચાલશે અને ટેસ્ટિંગ પછી આ મશીન ફુલ પ્લેજ કાર્યરત થશે.
આ પ્રક્રિયા પછી તૈયાર થતા ખાતરનો મ્યુનિસિપલ કોર્પોરેશન 62 જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે 1500 kg થી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી સાઈડ તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી દૈનિક ધોરણે છાણ-સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણા વગેરે બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વૈદિક હોળી તથા સ્મશાન અંતિમવિધિમાં થાય છે.