બનાસકાંઠા: રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતભરમાં ફાયર સેફટી અને એનઓસીને લઈને તંત્ર દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જોકે પાલનપુર નગરપાલિકા દ્વારા આ બાબતે સર્વે કરાયો હતો જેમાં ફાયર સેફ્ટીના સાધનો અને NOC મેળવી નથી તેવા એકમો સામે કડક કાર્યવાહી કરવા માટે ફાયર વિભાગે લાલ આંખ કરવામાં આવી છે.
પાલનપુરમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલો, મોલ, આઇસીયુ,ધાર્મિક સ્થળો સહિત 250 એકમોમાં તપાસ કરી તમામને નોટિસો આપી તાત્કાલિક ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી દીધી છે. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારતાં હવે આવા એકમોના માલિકોમાં દોડધામ મચી ગઈ છે.
પાલનપુર સહિત તાલુકા સેન્ટરોએ તંત્ર દ્વારા હોસ્પિટલો, શાળા, કોલેજ, મોલ, આઈસીયુ સહિતના એકમોમાં ફાયર સેફટીને લઇ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પાલનપુરમાં ધાર્મિક સ્થળોની તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. તેમજ ક્યાંક ફાયર સેફટી માટેની બોટલો લગાવેલી હતી જે અગ્નિકાંડ જેવી ઘટનામાં સુરક્ષા માટે પર્યાપ્ત નથી જેથી આવા સ્થળોએ પણ ફાયર એનઓસી મેળવી નિયમ મુજબ ફાયર સેફટી ઉપલબ્ધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.