સુરત: સુરતની ખટોદરા પોલીસે રેપ વિથ ઠગાઈ કરી કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની અને લાખો રોકડા રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, ખટોદરાના એક વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ વર્ષ 2016માં એક ફંક્શનમાં તેમના કોલેજના મિત્ર ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને અવારનવાર ફોન પર વાતો કરતા હતા. આ દરમિયાન ઉદય અને તેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઉદય મહિલાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી.

ઉદયએ તેણીને જણાવ્યું હતું કે, તે આગામી દિવસોમાં તેની પત્નીને ડિવોર્સ આપી તેની સાથે લગ્ન કરશે તેમ કહી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. જોકે બાદમાં લાંબો સમય થવા બાદ પણ ઉદય તેની સાથે લગ્ન નહીં કરી માત્ર સમય પસાર કર્યો હતો અને પોતાની સારવાર માટે અવારનવાર પૈસાની જરૂર છે કહીને કુલ રૂપિયા 1.39 કરોડ પડાવી લીધા હતા.

મહિલા પાસેથી તમામ રોકડ રકમ અને તેના દાગીનાઓ ગીરવે મુકાવી પૈસા પડાવી લઇ ઉદય હાથ ઊંચા કરી લેતા આખરે મહિલાએ આ મામલે ઉદય હેમંત નવસારી વાળા ઉર્ફે નાગર સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ઉદય હેમંત નવસારી વાળા ઉર્ફે નાગરની ધરપકડ કરી છે. આ ગુનામાં ઉદયને મદદ કરનાર વિત્રાગ મુકેશ શાહ, હેમંત નવસારીવાલા ઉર્ફે નાગર, દલાલ મહેશ મવાની, અમદાવાદના આચાર્ય એ.જે.(ગુરૂજી), બે જવેલર્સના માલીક સામે પણ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી પોલીસે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.