રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વખત મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર બાદ મોત નીપજ્યું છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પરિવારને ન્યાયની આશા પણ નથીઃ મળતી વિગત મુજબ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઈક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું. તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નીપજ્યું હતું. જે અંગે મૃતકના નાના ભાઈ ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સવારે નોકરી પરથી મારા મોટા ભાઈ પરત ઘરે આવી રહ્યા હતા. સવારના 5.30થી 6 વાગ્યા વચ્ચે તેમના ઘર નજીક ગટરના તૂટેલા ઢાંકણા કારણે તેમનું વાહન સ્લીપ થયું હતું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન સારવાર બાદ ઘરે લઇ આવ્યા હતા અને ગઈકાલે તેઓનું મોત નીપજ્યું છે. આ પાછળ મનપા તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ તંત્ર પાસે કોઈ ન્યાયની આશા નથી. આ મનપા આંધળા-બેરાની કંપની જેવું છે. આમની પાસે ન્યાયની કોઈ આશા રાખી શકાય નહીં.
હવે તંત્ર જાગ્યું અને ગટરના નવા ઢાંકણા નાખવાની જાહેરાત કરતા મેયરઃ આ ઘટના અંગે મનપા ના મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, બનાવસ્થળ ખાતે ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી. જેના કારણે ગંભીર બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન બાદ મોત નિપજ્યું છે. વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરિયાદ ઉકેલવા સૂચના આપી દેવામાં આવી છે અને ત્રણેય ઝોનના તમામ સિટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરિયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે. શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. જ્યારે ફ્રેમ જેટલી તૂટી હશે તે તમામ નવી નાખવાનું કામ કરવામાં આવશે.