નવસારીઃ શહેરના લૂંસીકુઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને દુઃખદાયક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટેટૂ સ્ટુડિયો જવાની એક સામાન્ય મુલાકાતે યુવતીના જીવનમાં ભયંકર ઘટનાનું સ્વરૂપ ધારણ કર્યું. "ડ્રીમલેન્ડ ટેટૂ સ્ટુડિયો"ના માલિક જય સોની સામે એટ્રોસિટી એક્ટ તથા દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, યુવતી 27 માર્ચ 2023ના રોજ પોતાના શરીર પર ટેટૂ કરાવવા માટે ડ્રીમલેન્ડ ટેટૂ સ્ટુડિયો ગઈ હતી. ટેટૂ બનાવ્યા બાદ જય સોની નામા ટેટૂ આર્ટીસ્ટે યુવતીનો ફોન નંબર મેળવ્યો અને ત્યારબાદ મેસેજિંગ શરૂ કર્યું. પરિચય વધતાં તેણે યુવતીને એ આશ્વાસન આપ્યું કે તે પોતાની પત્નીથી છૂટાછેડા લીધા બાદ તેણી સાથે લગ્ન કરશે.
આ આશ્વાસનના આધારે યુવતી અને જય સોની વચ્ચે વારંવાર શારીરિક સંબંધ બાંધાયા. જોકે, થોડા સમય બાદ યુવતી ગર્ભવતી બની ગઈ. આરોપીએ તેને ગર્ભનિરોધક ગોળીઓ આપી અને ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત કરાવ્યો. ત્યાર બાદ જય સોનીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી અને તેણીને જાતિ આધારિત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી ગાળો આપી.
નવસારી ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ. સરવૈયાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ યુવતીએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ, બળાત્કાર, ગેરકાયદે ગર્ભપાત અને માનસિક હિંસા જેવા ગંભીર ગુનાઓના આધાર પર કેસ દાખલ કર્યો છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
ટેટૂ સ્ટુડિયો કે અન્ય ખાનગી વ્યવસાય સ્થળોએ જતા પહેલા નીચેના પગલાં અનિવાર્ય છે:
- માત્ર લાઈસન્સ ધરાવતા, વિશ્વસનીય અને મંજુર સ્ટુડિયો પસંદ કરો.
- વ્યક્તિગત વિગતો શેર કરતી વખતે સાવચેત રહો.
- કોઈપણ જાતનું ભાવનાત્મક દબાણ અથવા લાલચ જણાય તો તરત સંબંધ તોડી નાખવો જોઈએ.
- કાયદેસર રીતે મદદ મેળવવા માટે નજીકના પોલીસ મથક અથવા મહિલા સહાય કેન્દ્રનો સંપર્ક કરો.