વિસાવદર, જુનાગઢ: વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આજે ભેંસાણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં મહારાષ્ટ્રની ચૂંટણી માટે રણનીતિ બનાવનાર ડો.હિરેન ગેલાણી દ્વારા મહારાષ્ટ્રની માફક વિસાવદર વિધાનસભા બેઠકમાં રણનીતિ બનાવીને પેટાચૂંટણી જીતવાનું ધ્યેય ભાજપે પ્રત્યેક કાર્યકર્તાઓને આપ્યું છે.
પેટા ચૂંટણી જીતવા ભાજપનો પ્રચંડ પ્રચાર
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપનો ચૂંટણી પ્રચાર એકદમ વેગવંતો બનતો જોવા મળી રહ્યો છે. આજે ભેસાણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન મળ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા અને અરવિંદ કેજરીવાલને આડે હાથ લઈને તેમના પર રાજકીય પ્રહારો કર્યા હતા. જે લોકો દિલ્હી જીતવામાં અસફળ રહ્યા છે, તેવા લોકો વિસાવદરમાં લોકોને ભોળવી દુષ્પ્રચાર કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને જાકારો આપવા પ્રત્યેક કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખે આહવાન કર્યુ હતું. આજની સભામાં રાજ્ય સરકારના ત્રણ પ્રધાનો જુનાગઢ અને અમરેલીની સાથે સોમનાથ સંગઠનના નેતાઓ પૂર્વ ધારાસભ્યોની સાથે ભાજપની મોટી ફોજ આજની ચૂંટણી સભામાં ઉપસ્થિત રહી હતી.
મહારાષ્ટ્રની માફક વિસાવદરમાં રણનીતિ
2023માં મહારાષ્ટ્રમાં આયોજિત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ડો.હિરેન ગેલાણીની અધ્યક્ષતામાં ભાજપે પ્રત્યેક કાર્યકર્તા સુધી પહોંચવાનું અભિયાન શરૂ કર્યું હતું.જેમાં સમગ્ર મહારાષ્ટ્રમાં લાડલી બહેના યોજનાની લાભાર્થી અંદાજિત 2.5 કરોડ મહિલા મતદાતાઓ સુધી પાર્ટીના કાર્યકરો પહોંચીને પાર્ટીને મહારાષ્ટ્રમાં વિજય બનાવવામાં ડો.હિરેન ગેલાણી અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. આજ હિરેન ગેલાણી હવે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે વિસાવદર આવીને મહારાષ્ટ્રની માફક ચૂંટણી પ્રચાર અને રણનીતિ બનાવી રહ્યા છે.

હિરેન ગેલાણી એ શરૂ કર્યું કામ
ભાજપ માટે કામ કરતા ડો.હિરેન ગેલાણીએ વિસાવદર વિધાનસભા મતવિસ્તારના 294 બુથ પૈકી 286 બુથમાં બુથ કેપ્ટન તરીકે કાર્યકર્તાની નિમણૂક કરીને પ્રત્યેક મતદારોને ઓછામાં ઓછા એક વખત રૂબરૂ મળીને ભાજપનો પ્રચાર કરવાની રણનીતિ બનાવી લીધી છે. હાલ પ્રત્યેક બુથ કેપ્ટનો વિસાવદર વિધાનસભાના ૭૦ ટકા જેટલા મતદારોને એક વખત મળીને તેમને આપવામાં આવેલા પડકારને પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા મળેલા ડેટાને કારણે ડેસબોર્ડ સમગ્ર મતદારોની માહિતી તૈયાર કરે છે જેના થકી પાર્ટીના ઉમેદવારને કઈ રીતે જીતાડી શકાય તેની રણનીતિ ડો હિરેન ગેલાણીની ટીમ દ્વારા પણ કરવામાં આવી રહી છે.