કચ્છ: માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે, ત્યારે લોકોના જનજીવન પર તો ગરમીના પ્રકોપના કારણે અસર થઈ રહી છે, પરંતુ સાથે સાથે અબોલ પ્રાણીઓ પણ આવી ગરમીમાં હેરાન થતા હોય છે. કચ્છના વનવિભાગ દ્વારા ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા અબોલ પ્રાણીઓ માટે અભ્યારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઇન્ટ ઊભા કરીને તેનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્યજીવો માટે પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કચ્છમાં સપ્ટેમ્બર માસ સુધી સારી માત્રામાં વરસાદ નોંધાતા જંગલમાં પ્રાણીઓ માટે પાણીના જે કુદરતી સ્ત્રોત છે તેમાં હજુ સુધી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલમાં ખૂબ ગરમી વર્તાઈ રહી છે, ત્યારે પશ્ચિમ કચ્છ વનવિભાગમાં આવેલ અભ્યારણ્ય અને જંગલ વિસ્તાર, રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી છે, ત્યારે પાણીના કુદરતી સ્ત્રોતોમાં પાણી પૂર્ણ થવાના આરે છે, ત્યારે વનવિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલ કૃત્રિમ વોટર પોઇન્ટ એટલે કે વન તળાવ અને અવાડાઓ પર પાણીના ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.


80થી વધારે કૃત્રિમ તળાવો: ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓ માટે કૃત્રિમ વોટર પોઇન્ટનું આયોજન કરતા પહેલાં જંગલોમાં ઉપલબ્ધ પાણીના કુદરતી સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવે છે.તો ખાસ કરીને આ કૃત્રિમ વોટર પોઇન્ટ ઊભા કરતા પહેલાં પ્રાણીઓની આ વોટર પોઇન્ટ પરની સુરક્ષા માટેની તપાસ પણ વનવિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે.તો ટ્રેપ કેમેરા ગોઠવીને વોટર પોઇન્ટ પર પ્રાણીઓની ગતિવિધિઓ પર મોનીટરીંગ પણ કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને વન્ય પ્રાણીઓને ઉનાળા દરમિયાન પૂરતું પાણી મળી રહે તે માટે પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડીને કામગીરી કરવામાં આવી રહી છે.


વનવિભાગની લોકોને અપીલ: પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા 80 જેટલા કૃત્રિમ વોટર પોઇન્ટ જુદી જુદી જગ્યાએ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વનવિભાગના અધિકારીએ લોકોને અપીલ પણ કરી છે કે, આવા આકરા તાપમાં પક્ષીઓને પણ ચક્કર આવવા તેમજ ડીહાઇડ્રેશન થતું હોય છે, ત્યારે આવા કોઈ ઘાયલ પક્ષીઓ કે પ્રાણીઓ લોકોને ધ્યાનમાં આવે તો તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે વનવિભાગની હેલ્પલાઇન પર તત્કાલિક સંપર્ક સાધવા જણાવવામાં આવતું છે. આ ઉપરાંત લોકોએ પણ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પોતાના ઘરની આસપાસ કોઈ પણ પાત્રમાં પશુ પક્ષીઓ માટે પાણી ભરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: