કચ્છ : લખપત ભેદી વાયરસ મામલે આજથી 2 દિવસ 50 ડોક્ટરો લખપત અને અબડાસા તાલુકામાં ચિંતાજનક બીમારી સામે સર્વેલન્સ હાથ ધરશે, વધારાના THO નિમવા સાથે ભેખડા ગામમાં 24 કલાક ડોક્ટરો હાજર રહેશે. DDO, પ્રાંત અધિકારી, CDHO સહિતના અધિકારીઓ અહીં રહીને પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં ન્યુમોનિયા કઈ રીતે ફેલાયો તે જાણવા 6 સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દયાપર CHC ફૂલ : કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવના કહેર વચ્ચે લખપત તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ દયાપર CHC માં 210 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવતા દયાપર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે પલંગ ખૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવીન્દ્ર ફૂલમાલી પણ ત્યાં પહોંચ્યા છે, લખપતની આરોગ્ય સેવાઓ સુધારવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેકટર મેદાને ઉતર્યા : કચ્છ કલેક્ટર અમિત અરોરાએ પણ લખપત તાલુકાની મુલાકાત લીધી હતી. ત્યાં આરોગ્ય વિભાગ સહિતના વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી શુદ્ધ પાણી પીવાનું પાણી નિયમિત મળે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. ભેદી તાવને ધ્યાનમાં રાખીને શુદ્ધ પાણી મળે તે માટે પાણીના ટાંકાની સફાઇ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
એક્સ્ટ્રા બેડ-ઓક્સિજનની વ્યવસ્થા : જિલ્લા કલેકટરની સૂચનાથી દયાપર આરોગ્ય કેન્દ્ર ખાતે વધારાના 15 જેટલા બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. રિપોર્ટમાં બે કેસ ડેંગ્યૂ, એક મેલેરિયા તેમજ બાકીના ન્યુમોનિયાના કેસ આવ્યા છે. ભેદી તાવ બાદ સરકારી દવાખાનામાં ઓપીડીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા એન્ટિ લારવલ એક્ટિવિટી તેમજ 1955 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
6 સેમ્પલ પુના મોકલવામાં આવ્યા : લખપત અને અબડાસા તાલુકામાં ભેદી વાયરસથી 14 લોકોનાં મોત થયાં બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની 35 જેટલી ટીમ બનાવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ન્યુમોનિયા કઈ રીતે ફેલાયો તે જાણવા 6 સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પુનાની વાયરોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટમાં જે નમૂના મોકલ્યા છે, તેના પરીક્ષણ રિપોર્ટના આધારે જ સ્પષ્ટ થશે કે ખરેખર કયા વાઇરસના કારણે આ મોત થયાં છે.
સર્વેલન્સ કામગીરી શરુ : ગઈકાલથી શંકાસ્પદ કેસ દેખાય છે, તેમાં આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હાલમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં RTPCR રિપોર્ટ કરવાનું બંધ થતાં ભારે હાલાકી પડી રહી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ડેંગ્યુનો એક, ઝેરી મેલેરિયાના બે અને સિઝનલ ફ્લુનો એક મળી કુલ ચાર પોઝિટિવ કેસ મળ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની 35 જેટલી ટીમ દ્વારા બંને તાલુકાના 318 ઘરમાં 2234 લોકોની તપાસણી કરવામાં આવી છે.
રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા સર્વે : અદાણી મેડિકલ કોલેજ અને રાજકોટની PDU મેડિકલ કોલેજની રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. શંકાસ્પદ લક્ષણોથી મૃત્યુ પામેલા અને આજુબાજુના ઘરની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓની વધુ તપાસ માટે લોહીના અને ગળા/નાકના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે. 11 જેટલા દર્દીઓ પૈકી એક દર્દીનો સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ મેલેરિયા, ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.