સુરત: સુરતના વેડરોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષની કિશોરીએ મોબાઈલ ફોન પાણીમાં પડી જવાના કારણે આપઘાત કરી લીધો છે.
ઘટના સમયે માતા-પિતા સંબંધીને મળવા ગયા હતા અને બે બહેનો ઘરે એકલી હતી. મોટી બહેન સોનલ (નામ બદલ્યું છે)એ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો હતો. આ સમયે તેની 7 વર્ષની નાની બહેન ધાનીકા (નામ બદલ્યું છે) પણ ઘરમાં હાજર હતી. ધાનીકાએ બારીમાંથી પડોશીઓને બોલાવ્યા હતા, જેમણે પોલીસને જાણ કરી હતી.
શારદા એકેડેમી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી એક સગીરાના પિતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને માતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. પરિવારમાં બે દીકરીઓ અને એક બે વર્ષનો પુત્ર રામ (નામ બદલ્યું) છે.
સોનલે આપઘાત પહેલાં એક હૃદયદ્રાવક સુસાઈડ નોટ લખી હતી. નોટમાં તેણે માતાની માફી માંગી હતી અને લખ્યું હતું કે મોબાઈલ ફોન પાણીમાં પડી જવાથી તે આપઘાત કરી રહી છે. વધુમાં તેણે માતાને નાના ભાઈ રામ અને ધાનીકાનું ધ્યાન રાખવાની વિનંતી કરી હતી. ચોક બજાર પોલીસે સુસાઈડ નોટ કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે.
એન.જી.ચૌધરી (પીઆઈ)એ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ હોય તેમાં વાલીઓએ બાળકો જે પોતાની રજૂઆત હોય છે તે તેમને કહી શકે તેવું સુમેળ ભર્યું વાતાવરણ ઘરમાં બનાવવું જોઈએ. જેના કારણે આવી કોઈ દુઃખ ઘટના ન બને. માતા-પિતા અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે કોઈ ઘટના બની ગઈ હોય અને તે અંગે કહી ના શકે. આવું કોઈ પગલું ન કરે તે માટે ઘરમાં પણ સારું વાતાવરણ બનાવવું જોઈએ.