સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ કોમ્પ્લેક્સની અનભ જેમ્સ નામની હીરા ફેક્ટરીમાં ગંભીર ઘટના સામે આવી છે. અહીં કામ કરતા 118 રત્નકલાકારોને પીવાના પાણીમાં ઝેરી દવા મિક્સ કરવાથી અસર થઈ છે. ઘટના સવારે 10 વાગ્યા પહેલાં બની હતી. કારખાનામાં કુલ 120 રત્નકલાકારો કામ કરતા હતા, તેમાંથી 118 કર્મચારીઓને પાણી પીધા બાદ માથાનો દુખાવો, ચક્કર અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તમામને તાત્કાલિક બે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં કોઈ અસામાજિક તત્વએ સેલ્ફોસ નામની કીટનાશક દવા નાખી દીધી હતી. આ દવા સામાન્ય રીતે અનાજમાં કીટક નિયંત્રણ માટે વપરાય છે. હાલમાં બે દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. બાકીના 116 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. પોલીસે આ ગંભીર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.
કારખાનાના માલિક જીવરાજભાઈએ જણાવ્યું કે, પોલીસ તપાસ બાદ જ આ કૃત્ય કોણે કર્યું તે જાણી શકાશે. કર્મચારી નટવરભાઈએ જણાવ્યું કે, સવારે પાણી પીતી વખતે તેમાંથી વાસ આવતી હતી, જેની જાણ તેમણે શેઠને કરી હતી.કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીમાંથી બપોરે 12:30 વાગ્યા આસપાસ 118 જેટલા રત્ન કલાકારોને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી. વોટર ટેંકની અંદર સેલફોસ નામની ઝેરી દવા નાખી દેવામાં આવી હતી, જેથી આ રત્નકલાકારોને તેની અસર થઈ હતી.

કિરણ હોસ્પિટલની અંદર 104 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. 102 દર્દીઓ જનરલ વોર્ડમાં દાખલ છે. આ તમામ દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે, જ્યારે બે દર્દી રવિ કિરણ પ્રજાપતિ (ઉં. વ. 30) અને જયદીપ બારીયા (ઉં.વ.23) આઇસીયુમાં સારવાર હેઠળ છે. આઇસીયુમાં દાખલ દર્દીને 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે.

તેમના હાર્ટના જે પેરેમીટર છે જેમ કે, ECG, બ્લડ પ્રેશર આ તમામ પેરામીટરનું ક્લોઝ મોનિટરિંગ કરવું પડે છે. કેમ કે આ સેલ્ફોસ પોઇઝનિંગ છે. સૌથી પહેલાં હાર્ટમાં અસર કરે છે, લંગમાં અસર કરે છે. ત્યાર બાદ અન્ય ઓર્ગનમાં અસર કરે છે. ઉલ્લેખનીય છે કે, અન્ય 14 દર્દીઓ ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમની હાલત હાલ સામાન્ય છે.
આ પણ વાંચોઃ