વિસાવદર: 31 મેના દિવસે વિસાવદર વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયા તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. પહેલી વખત કોઈ વિધાનસભા બેઠકમાં પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા કોઈ ઉમેદવારના સમર્થનમાં સમગ્ર રાષ્ટ્રીય કાર્યકારણી હાજર રહેવા જઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે વર્તમાન દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય આતીશી, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન સહિત ગુજરાતના તમામ ધારાસભ્યો પદાધિકારીઓ અને અગ્રણી નેતાઓની હાજરીમાં 31મી તારીખે ગોપાલ ઇટાલીયા સત્તાવાર રીતે પાર્ટીના ઉમેદવાર તરીકે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે.
'ભાજપે કેશુભાઈ પટેલના અપમાનની એક પણ તક ન ગુમાવી'
31મી તારીખે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહેલા ગોપાલ ઇટાલીયા એ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ પૂર્વક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વિસાવદરથી વિધાનસભા સુધીનો માર્ગ ખેડૂતો સહિત સામાન્ય લોકો માટે જે રીતે કંડારવાનો પ્રયત્ન કર્યો હતો તેવા નેતાનું ભાજપ અપમાન કરવાની એક પણ તક ચૂકી નથી. ભાજપ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર કેશુભાઈ પટેલને અપમાનિત કરવામાં ભાજપે પાછી પાની કરી નથી. ભાજપ જેવા રાજકીય પાર્ટીના ઉમેદવાર સામે ગોપાલ ઇટાલિયા ખેડૂત, ગરીબ, મજુર અને પછાત અને કચડાયેલા વર્ગના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળે છે.
વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના જાહેર થયેલા સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ પર રૂપિયા દઈને રાજનીતિ કરવાનો ગંભીર અને આક્ષેપ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર રૂપિયા વાળાના રવાડે ચડી ગઈ છે. જેથી તેને ખેડૂતો, ગરીબો, મજૂરો, મહિલાઓ, આદિવાસી, દલિત અને પછાત વર્ગની સાથે મધ્યમ વર્ગ દેખાતો નથી. આયાતી ઉમેદવારને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ પ્રદેશ પ્રમુખ સી.આર પટેલ, જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાને આડે હાથ લીધા હતા.
ભાજપ વાળા ગોપાલ ઇટાલિયાને આયાતી ઉમેદવાર કહી રહ્યા છે. તેવા જ લોકો સી.આર પટેલને ખભે ઉંચકીને ફરે છે. જે વ્યક્તિનો વતન જૂનાગઢ જિલ્લામાં નથી તેવા વ્યક્તિને જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ બનાવે છે. પોરબંદર લોકસભા બેઠકના વર્તમાન કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા પણ પોરબંદર કે લોકસભામાં આવતા એકેય મતવિસ્તારના વતની નથી. આવા નેતાઓ ભાજપને આયાતી લાગતા નથી. પરંતુ ગોપાલ ઇટાલીયા ચૂંટણી લડવા આવે છે ત્યારે તેને લાગે છે. તે વાત પર ગોપાલ ઇટાલિયાએ ભાજપને હાડે હાથ પણ લીધી હતી.
આ પણ વાંચો: