ભરુચઃ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમુદાયમાં ખુબ જ લોકપ્રિય નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકીય જગતમાં ભારે ચર્ચા ઊભી થઈ છે. લોકસભા ચૂંટણી દરમ્યાન મહેશ વસાવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને મોટી આશાઓ સાથે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ગતરોજ તેમણે અચાનક રાજીનામું આપીને રાજકીય પટ પર હલચલ મચાવી દીધી છે.
મહેશ વસાવાની પ્રથમ પ્રતિક્રિયા:
રાજીનામા બાદ આજ રોજ મહેશ વસાવાએ પ્રથમ વખત પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે: “ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોઈ ખાસ વિકાસ કરેલો નથી. જનતાની આશાઓ પર ખરા ઉતરી શક્યા નથી. એટલે જ હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું. હવે હું આગળના સમયમાં લોકોના કામ માટે જોડાઈશ અને જનતાની સેવા કરશ.”
તેમણે ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે પક્ષ માત્ર ચૂંટણી સમયે જ આદિવાસી વિસ્તારોમાં દેખાવા આવે છે, પરંતુ વાસ્તવિક વિકાસ ક્યાંય જોવા મળતો નથી.
ભાજપની પ્રતિપ્રતિક્રિયા:
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મહેશ વસાવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું: “મહેશ વસાવા જે વિકાસના અભાવની વાત કરે છે તે પૂર્ણપણે ખોટું છે. ભાજપના શાસનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, જે જોવા માટે દિન પ્રતિદિન હજારો લોકો આવે છે. તાજમહેલ કરતા પણ વધારે લોકો ત્યાં પહોંચે છે. એ જ સાબિત કરે છે કે ભાજપે કેટલું મોટું કામ કર્યું છે.”
અંતરદ્વંદ અને આંતરિક રાજકીય કારણે રાજીનામું?
અંદરખાને ચર્ચાઈ રહ્યું છે કે, મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે. તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ થયા બાદ અન્ય હોદ્દાઓની ફાળવણીને લઈને પક્ષમાં આંતરિક તણાવ વધી ગયો હતો, જેના કારણે અસંતોષનો માહોલ સર્જાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાય રહ્યું છે. તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.