અમદાવાદ: 6, એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સ્થાપના દિવસ. 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકે ઓળખ મળી હતી. અત્યારે કેન્દ્રમાં ભાજપનું સળંગ ત્રણ ટર્મથી શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકે આ ત્રીજી ટર્મ છે. ગુજરાતમાં છેલ્લાં 45 વર્ષમાં ભાજપની વિકાસયાત્રા કેવી રહી એની ઉપર એક નજર કરીએ...
ભાજપ પક્ષનો ઇતિહાસ
ભારતીય જનતા પાર્ટી, જે દેશ અને દુનિયામાં ભાજપના નામે ઓળખાય છે, એનો આજે 45મો સ્થાપના દિવસ છે. મૂળ ભારતીય જનસંઘથી આરંભાયેલી વિચારસરણી 1980માં ભારતીય જનતા પાર્ટીમાં પરિણમી. ભાજપનું શાસન છેલ્લી ત્રણ ટર્મથી કેન્દ્રમાં અને 1995થી ગુજરાતમાં અવિરત રહ્યું છે. ભાજપની સ્થાપના પછી ભાજપને દેશવ્યાપી રાજકીય બનાવવામાં વાજપેયી અને અડવાણીનો સિંહફાળો છે. હાલ ભાજપના મજબૂત આધાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ માનવામાં આવે છે. ભાજપના ઈતિહાસમાં મહત્વનું પરિબળ હિંદુત્વ અને હિંદુ હિતનો મુદ્દો રહ્યા છે. એક સમયે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને એ સમયના સર સંઘ સંચાલક ગોલવલકર વચ્ચે સતત મંત્રણા થતી અને એ મંથન થકી 21, ઓક્ટોબર - 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. મૂળે તો ભારતીય જન સંઘ એ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના રાજકીય સંગઠન તરીકે રચાયું હતુ. જેનો મૂખ્ય ઉદ્દેશ ભારતીય ખ્યાલ પ્રમાણે દેશમાં રાજનીતિ કરવાનો હતો. આ સાથે ભારતીય જન સંધનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, દેશની અખંડ સરહદો, આર્થિક સમાનતા, માતૃભાષામાં શિક્ષણ આપવાનો હતો. પોતાના આંરભથી જ ભારતીય જન સંઘ માટે ગૌરક્ષા અને હિંદુત્વ અગ્રીમ સ્તરે રહ્યા હતા. ભારતીય જન સંઘે 1952થી પક્ષીય રાજકારણમાં પોતાનો પ્રભાવ જમાવ્યો અને ચૂંટણી લડી પોતાના ભાવિનો ચીલો ચાતર્યો હતો. ભારતીય જન સંઘ ત્યાર બાદ જનતા પક્ષની સાથે રહ્યો. છેવટે 6, એપ્રિલ - 1980ના રોજ મુંબઈ ખાતે ભાજપના સ્થાપના અધિવેશનમાં એક સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે રચાયો.

ભાજપના વિકાસના મુદ્દાઓ
1980ની 6, એપ્રિલના રોજ ભાજપની મુંબઈમાં સ્થાપના થઈ. જેમાં ભાજપે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય એકતા, લોકશાહી અને મૂલ્યનિષ્ઠ રાજનીતિને પોતાના એજન્ડા બનાવ્યા હતા. સ્થાપના બાદ 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપે માત્ર બે બેઠકો જીતી હતી. જેમાં ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પરથી એ.કે.પટેલનો વિજય થયો હતો. 1986માં લાલ કૃષ્ણ અડવાણી પક્ષના અધ્યક્ષ બન્યા. સ્થાપનાના 9 વર્ષ બાદ ભાજપે 1989ની લોકસભા ચૂંટણીમાં 89 બેઠકો જીતીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે કાઠું કાઢ્યું. ભાજપે 1989માં વી. પી. સિંહના જનતા દળને સમર્થન આપી ગઠબંધન રાજનીતિની શરૂઆત કરી હતી. ભાજપે 1989થી અયોધ્યા ખાતે રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે યાત્રા કાઢીને હિંદુત્વના મુદ્દે રાષ્ટ્રીય આંદોલન કર્યું. જેનો લાભ ભાજપને 2024માં પણ મળ્યો. ભાજપના વિસ્તરણ અને વિકાસમાં 1990ની લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી અયોધ્યા સુધીની રામ મંદિર રથયાત્રા કરીને સીમાચિન્હ રૂપ યોગદાન આપ્યું છે. રામ રથ યાત્રાનો લાભ ભાજપને રાજકીય રીતે 1991ની લોકસભા ચૂંટણીમાં થયો. 1991માં ભાજપ પોતાની તાકાત ઉપર દેશભરમાં 121 લોકસભા બેઠકો પ્રાપ્ત થઈ. વર્ષ - 1992માં અયોધ્યા ખાતે બાબરી મસ્જિદના ઢાંચાનો ધ્વંશ કરાયો. 1992 બાદ બાદ ભાજપ દેશમાં હિંદુત્વ કેન્દ્રિત રાજનીતિ દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્રમાં સતત સત્તા મેળવતો રહ્યો. 1996માં ભાજપે 129 લોકસભા બેઠકો જીતી અને વાજપેયી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. વાજપેયી ભાજપના પહેલા પ્રધાનમંત્રી હતા. 1996 બાદની બીજી બે ચૂંટણીઓ 1998 અને 1999માં પણ ભાજપનો વિજય થતા અટલ બિહારી વાજપેયી 2004 સુધી વડાપ્રધાન પદ ઉપર રહ્યા.

ગુજરાતમાં ભાજપનો ઉદય અને વિકાસ યાત્રા
ગુજરાતમાં ભાજપના ઉદય પહેલા ભારતીય જનસંઘનો ચૂંટણીમાં નબળો દેખાવ રહ્યો હતો. 1967 સુઘી એટલે કે દેશની આઝાદીના બે દાયકા સુધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રભાવ યથાવત રહ્યો. 1962ની ચૂંટણીમાં 22 ઉમેદારોને ટિકિટ આપી હતી પણ ભારતીય જનસંધ એક પણ બેઠક જીતી શક્યો નહીં. ભારતીય જન સંઘે 1967માં એક બેઠક અને 1972માં ત્રણ બેઠકો જીતી હતી. 1975માં ભારતીય જનસંઘનો 18 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. 1980માં રચાયેલા ભારતીય જનતા પક્ષનો 1985 માં ગુજરાતમાં 11 બેઠકો પર વિજય થયો હતો, જ્યારે 1990માં ગુજરાતમાં ભાજપે 67 બેઠકો જીતતા જનતા દળ સાથે ગઠબંધન રચીને કોંગ્રેસને સત્તાથી દૂર કરી અને ત્યારથી આજ સુધી કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સત્તા પાછી મેળવી શકી નથી. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 1989માં 12 બેઠકો પર વિજય મળતા દેશમાં એ મુદ્દે ચર્ચા જામી હતી. આ સાથે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપે પહેલી વાર પોતાના હસ્તક કર્યુ હતુ. 1995ની વિધાનસભામાં ભાજપને 121 બેઠકો પ્રાપ્ત થઈ સાથે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને મહાનગર પાલિકાઓ પર કેસરિયો લહેરાયો અને ગુજરાતમાં ભાજપનો યુગ શરૂ થયો. 1999ની લોકસભા ચૂંટણીમાં 26 પૈકી ભાજપને 19 બેઠકો પ્રાપ્ત થઈ. તો 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 પૈકી 26 બેઠકો મળી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં દેશમાં સુરત લોકસભા બેઠક બિન હરીફ જાહેર થતા પ્રથમ બેઠક ભાજપને ફાળે ગઈ હતી. 2024માં ભાજપને ગુજરાતમાં 25 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને કોંગ્રેસને બે ટર્મ બાદ માત્ર એક બેઠક પાછી મેળવવામાં સફળતા મળી.

ગુજરાત ભાજપની પ્રયોગશાળા, રાજ્યમાં કેશુભાઈ પટેલનો સમયગાળો
ગુજરાત એ ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા છે. ભારતીય જન સંધના માધ્યમથી સક્રિય કેશુભાઈ પટેલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને પણ સત્તા મળી હતી. ગુજરાતમાં ભાજપનો વિકાસ કરવામાં અનેક કાર્યકરોનો ફાળો છે. પક્ષ તરીકે ભાજપને સક્ષમ કરનારા પૈકી નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા અને શંકરસિંહ વાઘેલા મોખરે રહ્યા હતા. 1995માં ભાજપે એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડી ચૂંટણી જીતી હતી. કમનસીબે શંકરસિંહ વાઘેલા પ્રેરિત હજૂરીયા - ખજુરિયા જુથે કેશુભાઈ પટેલ સામે બળવો કર્યો હતો. 1998ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતતા કેશુભાઈ પટેલને પુનઃ મુખ્યમંત્રી બનાવ્યા હતા. કેશુભાઈ પટેલે ગોકુળ ગ્રામ યોજના, ખેતી વિકાસ, જળ સંચય, ગુના નિયંત્રણ અને ત્વરિત વહીવટી નિર્ણય પ્રક્રિયા થકી ભાજપનો પાયો ગુજરાતમાં મજબુત કર્યો હતો. કેશુભાઈ પટેલે ભાજપની અંદરના બીજી હરોળના યુવા નેતાઓને આગળ કરી ભાજપને પક્ષ તરીકે વધુ સશક્ત કર્યો હતો. કમનસીબે કચ્છના કંડલા ખાતેના વાવઝોડા અને 21, જાન્યુઆરી - 2001ના રોજ આવેલા ભયંકર ભૂકંપમાં અયોગ્ય વહિવટ અને પક્ષના જ અંદરો અંદરના ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે કેન્દ્રીય મોવડી મંડળે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવ્યા અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને સત્તા સોંપી હતી. જે અંતે ગુજરાત અને દેશના રાજકીય ઈતિહાસ માટે મહત્વની રાજકીય ઘટના સાબિત થઈ.

નરેન્દ્ર મોદી કાળ
વર્ષ - 2001માં નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને રાજ્ય તથા દેશની રાજનીતિમાં બદલાવની શરૂઆત થઈ. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બનતાની સાથે ઊર્જા, જળ, કૃષિ અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પાયાના બદલાવની શરૂઆત થઈ. નરેન્દ્ર મોદીએ ગુજરાતને વાયબ્રન્ટ ગુજરાત અને દેશમાં મોડલ સ્ટેટ બનાવવાનો નારો આપ્યો હતો. પણ મુખ્યમંત્રી બનવાના થોડા સમયમાં જ ગોધરાકાંડ અને અનુ ગોધરાકાંડ સર્જાતા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની દેશભરમાં ટીકા થઈ. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ તેમને જાહેર મંચ ઉપર રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી. તો બીજી તરફ નરેન્દ્ર મોદીની હિંદુનેતા તરીકેની છબી મજબૂત બનતી ગઈ. એક સમયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો ગુજરાત આવવા માટે આચકાતા હતા તો એ સામે નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતને પૂર્વના દાઓસ તરીકે ઓળખ અપાવી. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આંતર માળખાકીય વિકાસ પર જોર આપ્યું અને ગુજરાતની આધુનિક ઓળખ બનાવી વર્ષ - 2014ની લોકસભા ચૂંટણી માટે એક મોડલ સ્ટેટ તરીકે દેશભરમાં ગુજરાતને રજૂ કરીને ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન તરીકેની સફર ખેડી. એવું કહેવાય છે કે, ભાજપ ને એક રાજકીય પક્ષ તરીકે ગુજરાત હંમેશાથી ફળ્યું છે, તો ગુજરાતને કેન્દ્રમાં ભાજપની સરકાર ફળી છે.
ભારતને મળ્યા ગુજરાતી વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 2024માં ભારે બહુમતી થકી કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન બન્યા. ગુજરાતને UPAની કેન્દ્ર સરકાર અન્યાય કરે છે એ જનમત થકી નરેન્દ્ર મોદીએ પોતાને ભાવી વડાપ્રધાન તરીકે ગુજરાતમાં પ્રોજેક્ટ કર્યા. જેનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો. દેશમાં પોતે કરેલા વિકાસ કાર્યો થકી ગુજરાત મોડલ સર્જાયુ છે અને એ વિકાસ મોડલ થકી ભારતને વિશ્વ સત્તા બનાવવાના નારા સાથે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ ઉપર બિરાજમાન થયા. કેન્દ્રમાં સત્તા મળ્યા બાદ, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ આવ્યા. દેશના ગ્રોથ માટે ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે એમ કહેવાયું. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર હોય તો ગુજરાતને અન્યાય નહીં થાય એ મુદ્દે પ્રચાર થયો. નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જતાં ગુજરાત ભાજપ સંગઠન અને પક્ષમાં અશિસ્ત વધી. પાટીદાર આંદોલન થયું જેના કારણે રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામુ આપવું પડ્યું. આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદ છોડતા, વિજય રુપાણી મુખ્યમંત્રી તરીકે આવ્યા પણ તેઓ પક્ષ અને સંગઠન પર પોતાની ધારી પક્કડ ન જમાવી શક્યા. કોરાનાકાળની નિષ્ફળતાને કારણે વિજય રુપાણીએ અણધાર્યુ રાજીનામું આપ્યું. એ પછી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી પદ ઉપર આવ્યા. હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણૂંક ટલ્લે ચડેલી છે. ભાજપ પક્ષ અને ભાજપ સંગઠન વચ્ચે સુમેળ નથી એવા અનેક ઉદાહરણો રોજ સામે આવી રહ્યા છે. જે પક્ષે તેના આગેવાનોને મોટા કર્યા છે, તે આગેવાનો પક્ષને જાહેરમાં નુકસાન થાય એવા નિવેદનો કરે છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પાર્ટી વીથ અ ડિફરન્સ કહેવાય છે. એ જ ભાજપ પક્ષ માટે ભાજપના સ્થાપના દિવસે તેની ઐતિહાસિક વિકાસ યાત્રાનું ગૌરવ લેવાને બદલે ભાજપના સિનિયર નેતાઓ પોતે પક્ષ કરતા મોટા છે એવું વર્તન કરીને પક્ષની ગરીમાને ઝાંખી કરી રહ્યા છે.