ન્યૂયોર્ક : અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ એક ભારતીય વિદ્યાર્થીની અટકાયત કરી છે. વિદ્યાર્થીનું નામ બદર ખાન સુરી છે, જે હાલમાં વોશિંગ્ટન, ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે એડમંડ એ. વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ ખાતે અલવાલીદ બિન તલાલ સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્ચિયન અન્ડરસ્ટેન્ડિંગમાં પોસ્ટડોક્ટરલ ફેલો છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની અટકાયત : તાજેતરમાં અમેરિકી અધિકારીઓએ કોલંબિયા યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થી રંજન શ્રીનિવાસન પર હમાસને ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પોતાને અમેરિકાથી દેશનિકાલ કરી દીધી હતી. હવે વધુ એક ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ બદર ખાન સુરી નામના યુવકની ઇઝરાયલ અંગે અમેરિકાની વિદેશ નીતિનો વિરોધ કરવાના આરોપસર ધરપકડ કરાઈ છે.
કોણ છે બદર ખાન સુરી ? તમને જણાવી દઈએ કે, બદર ખાન સુરી નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હાલમાં તે વોશિંગ્ટન, ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે એડમંડ એ. વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ ખાતે અલવાલીદ બિન તલાલ સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્ચિયન અન્ડરસ્ટેન્ડિંગમાં પોસ્ટડોક્ટરલ ફેલો છે.
શું છે આરોપ ? એક US મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અને શિક્ષણ આપતા સુરીને ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ વિદેશ નીતિનો વિરોધ કરવાના આરોપમાં વિદ્યાર્થી કાર્યકરો સામે કાર્યવાહી કરી રહ્યું છે.
બદર ખાન સૂરીના વકીલે દાવો કર્યો છે કે, સૂરીની પત્ની અમેરિકન નાગરિક છે અને પેલેસ્ટિનિયન મૂળની છે. આ કારણોસર, અમેરિકન અધિકારીઓને શંકા છે કે તે અને તેની પત્ની ઇઝરાયલ પ્રત્યે અમેરિકાની વિદેશ નીતિનો વિરોધ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરીના વકીલે તેમની તાત્કાલિક મુક્તિ માટે કેસ દાખલ કર્યો છે.
નકાબ પહેરેલા એજન્ટો ઘરની બહારથી પકડી ગયા : ન્યૂઝ આઉટલેટ પોલિટિકોની રિપોર્ટ અનુસાર "નકાબ પહેરેલા એજન્ટોએ" સોમવારે રાત્રે વર્જિનિયામાં સૂરીની ઘરની બહારથી ધરપકડ કરી હતી. વકીલ હસન અહેમદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમને વર્જિનિયાના એક જેલમાં લઈ જવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેમને ટેક્સાસના અટકાયત કેન્દ્રમાં ખસેડવામાં આવે તેવી અપેક્ષા છે.
જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી Ph.D
જ્યોર્જટાઉન યુનિવર્સિટીની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, સુરીએ 2020 માં નેલ્સન મંડેલા સેન્ટર ફોર પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હીમાંથી શાંતિ અને સંઘર્ષ અભ્યાસમાં Ph.D પૂર્ણ કરી છે. તેમણે "ટ્રાન્ઝિશનલ ડેમોક્રેસી, ડિવાઇડેડ સોસાયટીઝ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ફોર પીસ: અફઘાનિસ્તાન એન્ડ ઇરાકમાં સ્ટેટબિલ્ડિંગનો અભ્યાસ" વિષય પર તેમનો થીસીસ લખ્યો, જેમાં તેમણે વંશીય રીતે વૈવિધ્યસભર સમાજોમાં લોકશાહી રજૂ કરવામાં સામેલ જટિલતાઓ અને રાજ્યનિર્માણ પ્રોજેક્ટના પડકારોની રૂપરેખા આપી.