નવી દિલ્હી : ભારતે અમેરિકા સાથે વેપાર ઉદારીકરણને આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે અને બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો કરી રહ્યા છે. મંગળવારે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે વેપાર સોદા પર રૂબરૂ વાટાઘાટો આવતા મહિને શરૂ થવાની અપેક્ષા છે.
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર : ભારત અને અમેરિકા માર્ચથી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો કરી રહ્યા છે. બંને પક્ષોએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન US$191 બિલિયનથી બમણાથી વધુ US$500 બિલિયન કરવાનો છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત શરૂ : વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, "અમને આશા છે કે વાટાઘાટો મે મહિનાના બીજા ભાગમાં શરૂ થશે. જ્યાં સુધી વેપાર કરાર અને તેની વાટાઘાટોનો સવાલ છે, અમે સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા છીએ. આ અઠવાડિયે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાર પર પહોંચવા માટે વિવિધ જૂથો વચ્ચે વાતચીત શરૂ થશે.
કોણ કરશે વાટોઘાટો ? વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલ આ કરાર માટે ભારતના મુખ્ય વાટાઘાટકાર પણ છે. આ કરાર અંગે વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે, જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો તે ભારત અને અમેરિકા વચ્ચે વિશાળ વ્યાપારિક તકો ખોલશે. ભારત અને અમેરિકા આ અઠવાડિયાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત શરૂ કરી રહ્યા છે. તેમણે કરાર માટે સંદર્ભની શરતોને (TOR) પણ અંતિમ સ્વરૂપ આપ્યું અને તેના પર હસ્તાક્ષર કર્યા.
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું કે, "વૈશ્વિક સ્તરે હાલના ટેરિફના સંદર્ભમાં ભારત માટે ચિંતાઓ અને તકો બંને છે. ભારતે પહેલાથી જ એક રસ્તો અપનાવ્યો છે જ્યાં અમે યુએસ સાથે વેપાર ઉદારીકરણ તરફ આગળ વધીશું. આ એક સ્પષ્ટ રસ્તો છે જે અમે નેતાઓના સ્તરે નક્કી કર્યો છે અને તે પછી બેઠકો થઈ છે."