ઓટાવા: કેનેડાએ પ્રથમ વખત ભારતનું નામ સાયબર ખતરાવાળા શત્રુઓની યાદીમાં મૂક્યું છે, જે સૂચવે છે કે રાજ્ય-પ્રાયોજિત તત્વ તેની વિરુદ્ધ જાસૂસી કરી શકે છે.
બંને દેશ વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક વિવાદ વચ્ચે, નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-2026 (NCTA 2025-2026) રિપોર્ટમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પછી ભારતનું નામ પાંચમું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, "અમારું અનુમાન છે કે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સાયબર જોખમ ઊભું કરતા તત્વ જાસૂસીના ઉદ્દેશ્યથી કેનેડા સરકારના નેટવર્ક વિરુદ્ધ સાયબર ખતરાની પ્રવૃત્તિનું સંચાલન કરી રહ્યા છે.
આ ઘટનાક્રમ એવા સમયમાં થયો જ્યારે કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ એક વર્ષ પહેલાં કહ્યું હતું કે કેનેડા પાસે વિશ્વસનીય પુરાવા છે કે જૂન 2023માં બ્રિટિશ કોલંબિયામાં કેનેડિયન શીખ કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા, ત્યારથી દ્વિપક્ષીય સંબંધો ખરાબ થઈ ગયા છે. જોકે ભારતે આ આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.
NCTA 2025-2026 કેનેડામાં વ્યક્તિઓ અને સંસ્થાઓની સામે આવનારા સાયબર જોખમોને પ્રકાશિત કરે છે, જેને 30 ઓક્ટોબરે કેનેડિયન સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી (સાયબર સેન્ટર) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, જે સાયબર સુરક્ષા પર કેનેડાની ટેકનિકલ ઓથોરિટી છે, અને કોમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ કેનેડા ( CSE)નો ભાગ છે.
જ્યારે 2018, 2020 અને 2023-24ના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટમાં ભારતનો કોઈ ઉલ્લેખ નહોતો, 2025-26ના રિપોર્ટમાં ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા સાથે - 'રાજ્ય વિરોધીઓથી સાયબર ખતરો'માં ભારતનો ઉલ્લેખ છે.
એસેસમેન્ટ રિપોર્ટમાં કહેવાયું છે કે, "ભારતનું નેતૃત્વ લગભગ ચોક્કસપણે સ્થાનિક સાયબર ક્ષમતાઓ સાથે આધુનિક સાયબર પ્રોગ્રામ બનાવવાની આકાંક્ષા ધરાવે છે. ભારત તેના સાયબર પ્રોગ્રામનો ઉપયોગ તેની રાષ્ટ્રીય સુરક્ષા આવશ્યકતાઓને આગળ વધારવા માટે કરે છે, જેમાં જાસૂસી, આતંકવાદનો સામનો કરવો અને ભારત અને ભારત સરકાર વિરુદ્ધ પોતાની વૈશ્વિક સ્થિતિ અને જવાબી નિવેદનબાજીને પ્રોત્સાહન આપવા માટે દેશના પ્રયાસમાં સામેલ છે.
તેમાં આગળ જણાવ્યું છે કે, “અમે મૂલ્યાંકન કરીએ છીએ કે ભારતનો સાયબર પ્રોગ્રામ તેના સંચાલનને વધારવા માટે વાણિજ્યિક સાયબર વિક્રેતાઓનો લાભ ઉઠાવે છે. અમારું અનુમાન છે કે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સાયબર ખતરો પેદા કરનારા લોકો જાસૂસીના હેતુસર કેનેડા સરકારના નેટવર્ક વિરુદ્ધ સાયબર ખતરાની પ્રવૃત્તિનું સંચાલન કરી શકે છે. અમારું અનુમાન છે કે કેનેડા અને ભારત વચ્ચેના સત્તાવાર દ્વિપક્ષીય સંબંધોના કારણે કેનેડા સામે ભારતીય સરકાર દ્વારા પ્રાયોજિત સાયબર ખતરાની પ્રવૃત્તિને આગળ વધારાશે."
આ પણ વાંચો: