મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 13 એપ્રિલ, રવિવારના રોજ ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, અભિનેતા સલમાન ખાનને વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો.
સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ મળ્યો : 13 એપ્રિલ, રવિવારના રોજ ફરી સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર એક સંદેશ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાનને તેમના ઘરે જ મારી નાખવામાં આવશે અને તેમની કારને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ કેસમાં, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે.
ગુજરાતથી ઝડપાયો ધમકી આપનાર : બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ ગુજરાતના વડોદરા જિલ્લાના એક ગામમાંથી મળી આવ્યો છે. મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું કે, આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના એક ગામના 26 વર્ષીય યુવકને પૂછપરછ માટે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
કોણ છે સલમાન ખાનને ધમકી આપનાર ? FIR નોંધાયાના 24 કલાકની અંદર પોલીસે સંદેશા મોકલનારની ઓળખ 26 વર્ષીય મયંક પંડ્યા તરીકે કરી અને તેને વડોદરા સ્થિત તેના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું, 'ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમે મયંક પંડ્યાને તેના ઘરે ટ્રેક કર્યો. તેમની માનસિક બીમારીની સારવાર ચાલી રહી હોવાથી, અમે તેમને તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલી છે.
સલમાન ખાનને જાનથી મારવાની ધમકી : ગત રવિવારે સલમાન ખાનને વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલવામાં આવેલા સંદેશ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી. આ ધમકી તેના બાંદ્રા નિવાસસ્થાનની બહાર મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા માણસોએ ચાર ગોળીઓ ચલાવ્યાના બરાબર એક વર્ષ પછી આવી છે. તાજેતરની ધમકી બાદ વર્લી પોલીસે કેસ નોંધ્યો છે અને સલમાનના ઘરની સુરક્ષા વધારી દીધી છે.