હૈદરાબાદ : બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની પત્ની સોનાલી સૂદનો અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, સોનાલી મુંબઈ-નાગપુર હાઈવે પર એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ કેસ વિશે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમનો અકસ્માત 24 માર્ચે થયો અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સોનુ સૂદની પત્નીને નડ્યો અકસ્માત : અભિનેતા સોનુ સૂદની પત્ની સોનાલી સૂદનો અકસ્માત નાગપુરમાં થયો હતો, જ્યાં સોનાલી તેની બહેનના દીકરા અને બીજી એક મહિલા સાથે મુસાફરી કરી રહી હતી. એવું કહેવાય છે કે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. સોનાલી નાગપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી અને એરપોર્ટ તરફ જતી વખતે તે આ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી.

અકસ્માતગ્રસ્ત કારની તસવીર સામે આવી : અકસ્માતમાં સોનાલી ઘાયલ થઈ હતી અને તેમની સારવાર મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. સોનાલીની કારનો એક ફોટો સામે આવ્યો છે, જે અકસ્માતને કારણે સંપૂર્ણપણે નાશ પામી છે. તેમની સાથે તેમની બહેનનો દીકરો પણ ઘાયલ થયો છે. સોનાલી હાલમાં નાગપુરમાં છે અને આ ઘટનામાંથી સ્વસ્થ થઈ રહી છે.
નાગપુર પહોંચ્યા સોનુ સૂદ : અકસ્માતના સમાચાર સાંભળીને સોનુ સૂદ તરત જ નાગપુર જવા રવાના થઈ ગયા અને આજે સવારે ત્યાં પહોંચી ગયા હતા. સોનાલી વિશે મીડિયાને અપડેટ આપતા તેમણે કહ્યું, 'સોનાલી હવે ઠીક છે, તે માંડ માંડ બચી ગઈ છે, ઓમ સાઈ રામ'. સોનાલીનો અકસ્માત ગઈકાલે 24 માર્ચે થયો હતો અને હવે તે હોસ્પિટલમાં દાખલ છે.