હૈદરાબાદ: અક્ષય કુમાર તેના અનોખા પ્રમોશનલ સ્ટંટ માટે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પોતાની કોમેડી થ્રિલર ફિલ્મ હાઉસફુલ 5 વિશે દર્શકોની પ્રતિક્રિયાને જાણવા માટે ખિલાડી કુમાર પોતે દર્શકો વચ્ચે પહોંચ્યો હતો. જ્યાં અક્ષયે તેની ફિલ્મનો પ્રખ્યાત કિલર માસ્ક પહેર્યો હતો થિયેટરની બહાર માઈક લઈને ફરતો જોવા મળ્યો હતો.
હાઉસફુલ-5 મૂવી 6 જૂન ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને અન્ય સ્ટાર્સ અભિનીત આ ફિલ્મના બે વર્ઝન છે, પહેલું - હાઉસફુલ 5A અને બીજું - હાઉસફુલ 5B. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હાલ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે તાજેતરમાં અક્ષય કુમાર બાંદ્રાના એક થિયેટરમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે હાઉસફુલ શૈલીમાં દર્શકોની પ્રતિક્રિયા પોતાના કેમેરામાં કેદ કરી હતી.
8 જૂનના રોજ, અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે થિયેટરની બહાર કિલર માસ્ક પહેરીને હાથમાં માઈક સાથે હાઉસફુલ 5 ના રિવ્યુ માંગતો જોવા મળ્યો. આ ક્લિપ શેર કરતા તેણે કેપ્શન આપ્યું -'બસ આજે એમ જ મેં કિલર માસ્ક પહેરવાનું નક્કી કર્યું. આજે મેં બાંદ્રામાં હાઉસફુલ 5નો શો જોયા પછી બહાર આવતા લોકોનો ઇન્ટરવ્યુ લીધો. છેલ્લે પકડાઈ જવાનો હતો, પરંતુ તે પહેલાં જ હું ભાગી ગયો. સરસ અનુભવ.'
'હાઉસફુલ 5' નો અક્ષય કુમારનો રિવ્યુ કેમેરામાં કેદ
વીડિયોમાં, અક્ષય કુમાર ચેક શર્ટ અને પેન્ટ પહેરેલા અને કિલર માસ્ક પહેરેલા જોઈ શકાય છે. તેણે થિયેટરમાંથી બહાર આવતા લોકોને યુટ્યુબરની જેમ હાથમાં માઈક લઈને ફિલ્મ વિશે પૂછ્યું. તેણે લોકોને પૂછ્યું, 'તમને ફિલ્મ કેવી લાગી?' ઘણા ઉત્સાહિત બાળકો અને તેના ચાહકોએ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો.
ઘણા દર્શકોએ કહ્યું, 'ફિલ્મ શાનદાર છે, ખૂબ જ સારી ફિલ્મ છે.' આ દરમિયાન અક્ષયે લોકોને પૂછ્યું, 'તેમને ફિલ્મમાં કોણ ગમ્યું?' જેના પર ઘણા દર્શકોએ નાના પાટેકર અને જોની લીવરનું નામ લીધું. જોકે કેટલાક લોકોએ બધા પાત્રોની પ્રશંસા કરી. જ્યારે અક્ષયે એક નાના બાળકને પૂછ્યું કે, તેને ફિલ્મ કેવી લાગી? ત્યારે બાળકે ખુશીથી કહ્યું કે, 'ફિલ્મ ખૂબ જ સારી છે.' આ દરમિયાન કેટલાક લોકો કેમેરામાંથી બહાર નીકળતા પણ જોવા મળ્યા.
શનિવારે રાત્રે 7 જૂનના રોજ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન અને હાઉસફુલ 5ના ડિરેક્ટર તરુણ મનસુખાની એક શો દરમિયાન મુંબઈના એક થિયેટરમાં ગયા હતાં. જ્યાં તેમણે દર્શકો સાથે વાતચીત પણ કરી હતી. હાઉસફુલ 5ની ટીમને અચાનક થિયેટરમાં જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
'હાઉસફુલ 5' બોક્સ ઓફિસ કલેક્શન
અક્ષય કુમાર, રિતેશ દેશમુખની કોમેડી થ્રિલર હાઉસફુલ 5 એ બે દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી દીધો છે. રિપોર્ટસ્ અનુસાર ફિલ્મે શરૂઆતના દિવસે જ 24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે 30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આમ આ ફિલ્મ બે દિવસમાં બોક્સ ઓફિસ પર કુલ 54 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે.
'હાઉસફુલ 5' સ્ટાર કાસ્ટ
ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ, તો તેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, સંજય દત્ત, જેક્લીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, નાના પાટેકર, જેકી શ્રોફ, ડીનો મોરિયા, જોની લીવર, ચંકી પાંડે, ચિત્રાંગદા સિંહ, રણજીત, નિકિતિન ધીર, સોનમ બાજવા અને સૌંદર્યા શર્માએ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં બે વર્ઝનમાં ચાલી રહી છે. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે કયું વર્ઝન જોવા માંગો છો - હાઉસફુલ 5A કે હાઉસફુલ 5B.
આ પણ વાંચો: