મુંબઈ : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ મંદીના વધતા ભય વચ્ચે 3 એપ્રિલ, ગુરુવારના રોજ અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જ્યારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર ખુલ્યો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર ખુલ્યો.
અમેરિકન શેરબજારમાં કડાકો : Dow Jones 1679.39 પોઈન્ટ અથવા 3.98 ટકા ઘટીને 40,545.93 પર બંધ થયો છે. નાસ્ડેક ઇન્ડેક્સ 1050.44 પોઈન્ટ અથવા 5.97 ટકા ઘટીને 16,550.50 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 274.45 પોઈન્ટ અથવા 4.84 ટકા ઘટીને 5,396.52 પર બંધ થયો. ગુરુવારનો ઘટાડો 2020 પછીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો હતો.
"નવા ટેરિફથી 2025 માં વૈશ્વિક વેપારમાં 1 ટકાનો ઘટાડો થશે. આનાથી એશિયન બજારમાં હાલત વધુ ખરાબ થઈ ગઈ છે." -- WTO
ટ્રમ્પના ટેરિફની ખરાબ અસર : ગોલ્ડમેન સૅક્સે જણાવ્યું હતું કે ટેરિફ વૈશ્વિક આર્થિક વિકાસ માટે ખતરો છે. અમેરિકા સ્થિત નાણાકીય સેવાઓ આપતી કંપનીએ જણાવ્યું હતું કે યુએસ ટેરિફ વૈશ્વિક વિકાસને નુકસાન પહોંચાડશે અને ફેડરલ રિઝર્વને અગાઉના વિચાર કરતાં વધુ આક્રમક રીતે વ્યાજ દર ઘટાડવા માટે પ્રેરિત કરશે.
એશિયન બજારની સ્થિતિ : આજે એશિયન બજારો અસ્થિર રહ્યા કારણ કે અમેરિકન બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટની અસર વૈશ્વિક બજારો પર પણ પડી છે. આજે, ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ સતત બીજા કારોબારી સત્રમાં ઘટાડા સાથે ખુલ્યો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 490 પોઇન્ટ ઘટીને 75,805 પર ખુલ્યો અને નિફ્ટી 186 પોઇન્ટ ઘટીને 23,055 પર ખુલ્યો.