મુંબઈ : ભારતીય શેરબજારમાં રોનક પાછી ફરી છે. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે 11 એપ્રિલ, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે અનુક્રમે 988 અને 296 પોઈન્ટનો હનુમાન કૂદકો મારી ઊંચા મથાળે ખુલ્યા છે.
ભારતીય શેરબજાર : આજે 11 એપ્રિલ, શુક્રવારના રોજ BSE Sensex ગત 73,847 બંધની સામે 988 પોઇન્ટ ઉછળીને 74,835 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ સતત ઉપર ચડ્યા બાદ 75,319 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. બીજી તરફ NSE Nifty લગભગ 296 પોઈન્ટ એટલે કે 1.32 ટકાના વધારા સાથે સાથે 22,695.40 પર ખુલ્યો છે. ગતરોજ NSE Nifty 22,399 ના મથાળે બંધ રહ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર સિપ્લા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, હિન્ડાલ્કોના શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે TCS અને એક્સિસ બેંકના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ટેરિફ અસ્થાયી રૂપે સ્થગિત થયાની અસર : વૈશ્વિક બજારમાં ઘટાડા અને વેપાર તણાવ વધવાની વધતી ચિંતાને કારણે બુધવારે સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ ટ્રમ્પે લગભગ 90 દિવસ માટે ટેરિફને અસ્થાયી રૂપે સ્થગિત કર્યા હોવાના સમાચાર પર શેરબજારે પ્રતિક્રિયા આપી છે.
બુધવારનું બજાર : ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 379 પોઈન્ટ ઘટીને 73,847.15 પર બંધ થયો. બીજી તરફ NSE પર નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે 22,410.40 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન નેસ્લે, HUL, ટાટા કન્ઝ્યુમર, ટાઈટન કંપની, પાવર ગ્રીડ કોર્પના શેર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે નિફ્ટીમાં ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં વિપ્રો, SBI, ટેક મહિન્દ્રા, એલ એન્ડ ટી, ટ્રેન્ટના શેરનો સમાવેશ થાય છે.