મુંબઈ : જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE અને NSE દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રોકડ અને ફ્યુચર ઓપ્શન ડીલ માટે ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
BSE-NSE દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય : SEBI દ્વારા સ્ટોક એક્સચેન્જ સહિત માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ટિટીના તમામ સભ્યો માટે સમાન ફી માળખું ફરજિયાત કરવામાં આવ્યા પછી BSE અને NSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જો દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા જુદા પરિપત્રોમાં કહેવામાં આવ્યું હતું કે, રોકડ અને ફ્યુચર ઓપ્શન ડીલ માટે ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર કર્યા છે, આ બદલાયેલા દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.
ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર : BSE દ્વારા ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કેટેગરીમાં સેન્સેક્સ અને બેન્કેક્સ ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ફી બદલીને રૂ. 3,250 પ્રતિ કરોડ પ્રીમિયમ ટર્નઓવર કરી છે. જોકે, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ કેટેગરીમાં અન્ય કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
MII માટે SEBI નોટિફિકેશન : SEBI દ્વારા જુલાઈમાં માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓની (MIIs) ફી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, MII પાસે તમામ સભ્યો માટે એક સમાન ફી માળખું હોવું જોઈએ, જે વર્તમાન વોલ્યુમ-આધારિત ટ્રેડિંગ સિસ્ટમની જગ્યા લેશે.
કેશ માર્કેટ સેગમેન્ટ માટે એકસમાન ચાર્જ : NSE દ્વારા હવે કેશ માર્કેટ સેગમેન્ટ માટે એકસમાન ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવાયો છે. હવે 1 લાખ રૂપિયાના દરેક ટ્રાન્ઝેક્શન પર બંને તરફથી 2.97 રૂપિયાનો ચાર્જ લાગશે. અગાઉ, સ્ટોક એક્સચેન્જ રોકડ સેગમેન્ટમાં એક મહિનામાં ટ્રેડ થયેલા કુલ મૂલ્યના વિવિધ સ્લેબ માટે પ્રતિ બાજુ રૂ. 2.97-3.22 વસૂલતા હતા. સાથે જ ઇક્વિટી ફ્યુચર્સ સેગમેન્ટમાં ચાર્જીસમાં સુધારો કર્યો છે. હવે 1 લાખ રૂપિયાના વેપાર મૂલ્ય પર બંને બાજુથી 1.73 રૂપિયા વસૂલવામાં આવશે.