મુંબઈ : ભારતીય શેરબજારમાં તેજી યથાવત છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે આજે 16 એપ્રિલ, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક વધારા સાથે ખુલ્યા છે. BSE Sensex અને NSE Nifty અનુક્રમે 262 અને 16 પોઈન્ટના વધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા છે. જોકે, શરુઆતી કારોબાર બાદ બજારમાં વેચવાલી નોંધાઈ છે. જેમાં હાલ બજારના મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : આજે 16 એપ્રિલ, બુધવારના રોજ BSE Sensex ગત 76,734 બંધની સામે 262 પોઇન્ટ ઉછળીને 76,996 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતમાં જ 77,000 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ સેન્સેક્સ ગગડ્યો હતો. બીજી તરફ NSE Nifty ગત 23,328 ના બંધ સામે લગભગ 16 પોઈન્ટના વધારા 23,344ના મથાળે ખુલ્યો છે. આજના ટ્રેડિંગ દરમિયાન ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, સ્વિગી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ગેન્સોલ એન્જિનિયરિંગ, મેક્સ ઇન્ડિયા, NHPC, ડાબર ઇન્ડિયા, લેમન ટ્રી હોટેલ્સ અને AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસના શેર ફોકસમાં રહેશે.
મંગળવારનું માર્કેટ : ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસ મંગળવારના રોજ શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 1577 પોઈન્ટના ઉછાળા સાથે 76,734.89 પર બંધ થયો હતો. જ્યારે બીજી તરફ NSE પર નિફ્ટી 2.19 ટકાના વધારા સાથે 23,328.55 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, L&T, ટાટા મોટર્સ, એક્સિસ બેંકના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે HUL અને ITCના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.