નવી દિલ્હી : બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના પ્રી-વેડિંગ 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યા છે. જીતના લગ્ન દિવા જૈમિન શાહ સાથે થઈ રહ્યા છે. આ સાથે જ ભવ્ય ઈવેન્ટ્સ માટે પ્રખ્યાત ઉદયપુર વધુ એક હાઈ-પ્રોફાઈલ ફંક્શન માટે તૈયાર છે.
જીત અદાણી-દિવા શાહ પ્રી-વેડિંગ : રિપોર્ટ્સ અનુસાર તાજ લેક પેલેસ, ધ લીલા પેલેસ અને ઉદયવિલાસના તમામ રૂમ બે દિવસ માટે બુક કરવામાં આવ્યા છે. મુખ્ય કાર્યક્રમ ઉદયવિલાસમાં યોજાશે, જેમાં લગભગ 100 રૂમ છે. બીજી તરફ મહેમાનો તાજ લેક પેલેસ અને ધ લીલા પેલેસમાં પણ રોકાશે. અદાણી પરિવાર ગયા મહિને ભવ્ય કાર્યક્રમની તૈયારીની દેખરેખ માટે ઉદયપુરની મુલાકાતે આવ્યો હતો.
ઉદયપુરમાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહ : અહેવાલો અનુસાર આ સમારોહમાં સંગીત, પરંપરાગત ધાર્મિક વિધિઓ અને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત સામેલ હશે. ઉદયપુરના નયનરમ્ય તળાવો અને શાહી આકર્ષણ સાથે આ પ્રસંગ એક ભવ્ય પ્રસંગ બનવાની અપેક્ષા છે. આ કાર્યક્રમમાં અનેક અગ્રણી ઉદ્યોગપતિ, રાજકારણીઓ અને ઉચ્ચ સ્તરીય હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
ગત વર્ષે કરી હતી બંનેએ સગાઈ : બંનેએ ગયા વર્ષે 12 માર્ચે સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. જીત અદાણી અને હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહે અમદાવાદમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. તેમાં ફક્ત નજીકના પરિવાર અને મિત્રોએ જ હાજરી આપી હતી.
કોણ છે દિવા જૈમિન શાહ? દિવા સુરતના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો બિઝનેસ ગુજરાતના સુરતથી મુંબઈ સુધી વિસ્તરેલો છે. જો દિવા વિશે વાત કરીએ, તો તેણીને બિઝનેસ અને ફાઇનાન્સનું સારું જ્ઞાન છે. તે તેના પિતાને બિઝનેસ મેનેજ કરવામાં મદદ કરે છે.
અબજોના માલિક છે જીત અદાણી : જીત અદાણી ગૌતમ અદાણીના નાના પુત્ર છે અને બિઝનેસ પણ સંભાળે છે. જીત યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી સ્નાતક થયો અને વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો. કંપનીમાં જોડાયા પછી તેણે પહેલા ફાઇનાન્સ, મૂડી બજાર તથા રિસ્ક અને નીતિ પર કામ કર્યું. અદાણી ગ્રૂપની વેબસાઇટ અનુસાર જીત હવે એરપોર્ટ બિઝનેસ અને અદાણી ડિજિટલ લેબ્સ પણ સંભાળે છે.